દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ : અંકલેશ્વર જળબંબોળ

645

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવ્યા બાદ તંત્ર સાબદુ થઇ ગયું છે. એનડીઆરએફની ૧૫થી વધુ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. બચાવ અને રાહત ટુકડીઓ પણ તૈયાર રાખવામાં આવી છે. મુંબઈમાં ભારે વરસાદ પડ્યા બાદ હવે ગુજરાતમાં પણ દક્ષિણ પશ્ચિમ મોનસુન વધુ ઝડપથી આગળ વધી રહ્યુ ંછે. ગુજરાતના વધુ ભાગોમાં દક્ષિણ પશ્ચિમ મોનસુને એન્ટ્રી કરી લીધી છે. દ્વારકા, અમદાવાદ, ભાપોલ, જબલપુર, સુલ્તાનપુર, લખીમપુરખેરી, મુક્તેશ્વર મારફતે મોનસુનની નોર્મલ મર્યાદા આગળ વધી ચુકી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે જેમાં ભરુચ, સુરત, પંચમહાલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ જુદા જુદા ભાગોમાં વરસાદ પડ્યો છે. અતિભારે વરસાદની આગાહી હોવાથી માછીમારોને દરિયામાં ન જવા માટે કહેવામાં આવ્યું છે. વલસાડ, નવસારી, તાપી, ડાંગ, સુરત, નર્મદા, ભરુચ, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. અમદાવાદમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી લોકો સાવચેત બન્યા છે. રાજયમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મોટાભાગનાં જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ખુબ સારો વરસાદ પડ્‌યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લા-તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે.

ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર તાલુકામાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૧૭૨ મી.મી. એટલે કે સાત ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૨૫ જિલ્લાઓના ૯૭ તાલુકાઓમાં મેઘમહેર યથાવત રહી છે. જ્યારે ૨૯ તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને અન્ય ૬૮ તાલુકાઓમાં એક ઇંચથી ઓછો એટલે કે ઝરમર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૮ જુન ૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ૯૭ તાલુકાઓમાં સાત ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જેમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોય તેવા ૪ તાલુકાઓનો સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર તાલુકામાં ૧૭૨ મી.મી., ભરૂચ તાલુકામાં ૧૧૮ મી.મી., સુરત જિલ્લાના કામરેજમાં ૧૧૦ મી.મી. અને માંગરોળમાં ૧૦૫ મી.મી. વરસાદ વરસ્યો હતો. પંચમહાલ જિલ્લાનાં જાંબુઘોડામાં ૭૫ મી.મી એટલે કે ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૬ તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને ત્રણ ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. જેમાં સુરતના પલસાણામાં ૬૬ મી.મી., ભરૂચના વાલીયામાં ૬૪ મી.મી., નવસારીના ગણદેવીમાં ૬૩ મી.મી., છોટાઉદેપુરના ક્વાંટમાં ૫૯ મી.મી., બનાસકાંઠાના સૂઇગામ અને સુરેન્દ્રનગરનાં  લખતરમાં ૫૨ મી.મી. વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૧૮ તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને  બે ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. જેમાં નાંદોદ, હાંસોટ, જાંબુસર, ચિખલી, રાધનપુર, સાવરકુંડલા, દેત્રોજ, શિનોર, ગીર ગઢડા, સુરતના માંડવી, પાદરા, ઝઘડીયા, જલાલપોર, વાપી, વઘઈ, જેતપુર પાવી, હાલોલ તેમજ નવસારી તાલુકાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શંખેશ્વર, બોટાદ, ગઢડા, ખેરગામ, કરજણ, પારડી, મહુવા(સુરત), ધરમપુર, હારીજ, સરસ્વતી, કાલાવાડ, કોડીનાર, નેત્રાંગ, જોટાણા, સુત્રાપાડા, બોરસદ, તિલકવાડા, પડધરી, તળાજા, વલસાડ, બોડેલી, વાંસદા અને આંકલાવ મળીને કુલ ૨૩ તાલુકાઓમાં અડધા ઇંચથી વધુ અને એક ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. જ્યારે માણસા, ચોર્યાસી, સાણંદ, ડભોઇ, વસો, ઉમરપાડા, ચાણસ્મા, મહુવા(ભાવનગર), માળિયા, વિરમગામ, સંખેડા, વાગરા, કુકરમુંડા, બારડોલી, સાંતલપુર, ભાભર, ધાનેરા, માતર અને કપરાડામાં મળી કુલ ૧૯ તાલુકાઓમાં ૬ મી.મી.થી વધુ અને અડધા ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. અન્ય ૨૬ તાલુકાઓમાં ૬ મી.મી.થી ઓછો ઝરમર વરસાદ વરસ્યો હતો.

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું, આગામી ૪૮ કલાકમાં અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી ૪૮ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં વીજળી પડતાં છ લોકો દાઝી ગયા હતા. છ લોકોમાંથી એક વ્યક્તિનું ગંભીર રીતે દાઝી જવાથી મોત થયું છે.

આ સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ પડી શકે છે. આ સમય દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્રણથી પાંચ જુલાઈ દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ પડશે.

ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દાદરાનગર ડવેલી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, બરોડા, આણંદ, ખંડા, પંચમહાલ, છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવ વિસ્તારમાં સારો વરસાદ પડશે.

શુક્રવારે રાજ્યમાં મેઘમહેર યથાવત્‌ રહી છે. સવારે છ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધી રાજ્યના ૫૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ વડોદરાના કરજણમાં નોંધાયો છે. આ ઉપરાંત બીજા નંબરે વલસાડના ઉમરગામમાં નોંધાયો છે.

રાજ્યમાં ચોમાસું અને ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજકોટ અને ગાંઘીનગરમાં બે-બે, સુરત, ભાવનગર, પાલનપુર, વલસાડમાં એક-એક ટીમ તેમજ વડોદરા હેડક્વાર્ટર ખાતે એનડીઆરએફની સાત ટીમો ખડેપગે રાખવામાં આવી છે.

 

ડીજીવીસીએલની ઘોર બેદરકારી… વીજપોલનો કરંટ લાગતાં યુવતીનું મોત

પુણાગામ ખાતે કારગીલ ચોક ખાતેની રૂક્ષ્મણી સોસાયટીની બાજુમાં આવેલી નરવેદ સાસગર સોસાયટીમાં વીજ પોલના કરંટથી યુવતીનું મોત નીપજ્યું હતું. યુવતીના મોત બાદ લોકો એકઠા થઈ ગયા હતાં. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ૧૦ દિવસ અગાઉ સોસાયટી વાસીઓએ આ અંગે રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન ન અપાયાનો આક્ષેપ કર્યો હતો.

સોસાયટીમાં જરીના કામ માટે બે યુવતીઓ આવતી હતી. જેમાં કાજલ વિનુભાઈ ચાવડા (ઉ.વ.આ.૧૮) રહે. પ્રભુ દર્શન એ-૧ ફલેટ નંબર પુણા આવી હતી. આ બન્ને યુવતીઓ થાંભલા પાસેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન કાજલને કરંટ લાગ્યો હતો. કાજલને બચાવી શકાઈ નહોતી. કાજલનો પગ કાદવમાં પગ પડતાં કરંટ લાગતા મોત નીપજ્યું હતું.

નરવેદ સોસાયટીના પ્રમુખ અશ્વિનભાઈ હરીભાઈએ ૧૭-૬-૨૦૧૯ના રોજ જીઈબીમાં અરજી કરી હતી કે, સોસાયટીના મેઈન રોડ પર ગાળા નં ૬૯ની એકદમ નજીક ઈલેક્ટ્રીકના વાયર હોવાતી ત્યાં રહેતા લોકો માટે જીવનું જોખમ થઈ શકે છે. જેથી આ નડતર રૂપ ઈલેક્ટ્રીકનો વાયર થોડો દૂર ખસેડશો પરંતુ કોઈ ધ્યાન ન અપાતા યુવતીનું મોત થતાં રહીશોએ ડીજીવીસીએલની લાલિયાવાડી સામે રોષ વ્યક્ત કર્યો હતો.

સુરતમાં કડાકા ભડાકા સાથે સાંબેલાધાર વરસાદ, સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા

હવામાન વિભાગે આ આગાહી બંગાળની ખાડીમાં લો પ્રેશરના આધારે કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે. જેના કારણે વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. બંગાળના લો પ્રેશરના કારણે ૩ જુલાઈએ વરસાદની શક્યતા સેવવામાં આવી છે. રાજ્યના ૨૫ જિલ્લાઓના ૯૭ તાલુકામાં મેઘમહેર યથાવત રહી છે. સુરત શહેરમાં પણ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે.

સુરતના વરાછામાં પોણા બે ઈંચ, લીંબાયતમાં એક ઈંચ વરસાદ પડ્યો છે. આ સિવાય રાંદેર, કતારગામ, ઉધના, અઠવામાં વરસાદ પડ્યો છે. વરસાદના કારણે બફારામાંથી લોકોને રાહત મળી છે.

હાલ મળી રહેલા અહેવાલ મુજબ સુરત સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વરસાદે જ પાણી ભરાયા બાદ પણ કોઈ કામગીરી ન કરવામાં આવતાં સામાન્ય વરસાદમાં પણ ફરી પાણી ભરાઈ ગયા હતાં. જેથી દર્દીઓ અને તેની સાથે આવતા સંબંધીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રોમા સેન્ટરની સામે પણ પાણી ભરાતા ઈમર્જન્સી સારવાર માટે આવતાં દર્દીઓની હાલાકી વધી ગઈ હતી.

દક્ષિણ ગુજરાતમાં મેઘસવારી અવિરત રહી છે. રાત્રિના સમયે દક્ષિણ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. તાપી જિલ્લાને બાદ કરતાં દક્ષિણ ગુજરાતના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. વાપીમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. સુરત શહેરના વરાછા ઝોન વિસ્તારમાં વિજળીના ચમકારા સાથે રાત્રે બાર વાગ્યા બાદ બે ઈંચ વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વરાછામાં ઈલેક્ટ્રીક સિટી જતી રહેતા પરેશાની થઈ હતી.

પૂર પહેલા સિંહોએ ઊંચાઈવાળા વિસ્તારો પર વસવાટ કર્યો

સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં હાલ સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે જંગલ વિસ્તારો પણ તેનાથી બાકાત ન હોઈ શકે. ગીર આસપાસના જંગલ વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા છે, ત્યારે સિંહો આગમચેતીના ભાગરૂપે ઊંચાઈવાળા વિસ્તારો પર જતા દેખાઈ રહ્યાં છે. જેના પુરાવા રૂપે વીડિયો સામે આવ્યો છે.

અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે નદી તળાવોમાં વસતા સિંહોએ પોતાનું આશ્રય સ્થાન બદલ્યું છે. જાનવરોની સિક્સ સેન્સ મજબૂત હોય છે, કોઈ પણ કુદરતી ઘટનાને તેઓ પહેલેથી પારખી લેતા હોય છે. ત્યારે સિંહોએ પોતાની સિક્સ સેન્સને પારખીને પૂર વાળા વિસ્તારો છોડી ઉંચાઈવાળા વિસ્તારો પર જઈ રહ્યા છે.

નદી-તળાવોમાં પૂર આવવાની ભીતિ સિંહોને સતાવી રહી છે, તેથી પૂર આવવાની આગવી સૂજ ધરાવતા સિંહો ડુંગરની ઊંચાઈ પર જતા રહ્યા છે. શેત્રુંજી ઘાતરવડી ગાગડીયો સહિત કૃષ્ણ ગઢ તળાવ, મિતિયાળા અભયારણ્યનું હોરાવાળી તળાવ આસપાસ સિંહોનો કાયમી વસવાટ હોય છે. ઉનાળાની ગરમીથી બચવા સિંહો નદી તળાવો પાસે પોતાનું રહેઠાણ બનાવતા હોય છે.

Previous articleશ્રેષ્ઠ શિક્ષક પસંદગી પ્રક્રિયા માટેના માપદંડમાં ફેરફારો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે