જમાલપુરમાં રથયાત્રા રૂટ પરના ૭૮ થી વધુ દબાણો હટાવી લેવાયા

450

આગામી તા.૪ જુલાઇને અષાઢી બીજે અમદાવાદમાં નીકળનારી રથયાત્રાને ધ્યાને લઇને મ્યુનિ.તંત્ર દ્વારા રથયાત્રા રૂટને દબાણમુક્ત કરવાની કામગીરી મોટાપાયે હાથ ધરાઇ છે. જેમાં આજે જમાલપુર વોર્ડમાં રોડ પરના કુલ ૭૮ દબાણોને દુર કરીને ૧,૭૦૦ મીટરનો રોડ ખૂલ્લો કરાયો હતો. માણેકચોકમાં બે જર્જરીત મકાનોના જોખમી ભાગોને પણ તોડી પાડવામાં આવ્યા હતા.

જગન્નાથ મંદિરથી જમાલપુર દરવાજા , ગાયકવાડ હવેલી રોડ, રાયખડ ચાર રસ્તા સુધીના રોડ પરના બિનઅધિકૃત દબાણો મ્યુનિ.એસ્ટેટ-ટીડીઓ ખાતા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દુર કરાયા હતા. લારી-ગલ્લા, પરચુરણ માલસામાન સહિતનો મુદ્દામાલ પણ કબજે કરાયો હતો.

હવેલી રોડ, રાયખડ રોડ પરના દબાણો દુર કરાયા હતા. બીજી તરફ રથયાત્રા રૂટ પરના પોળોમાં આવેલા વર્ષો જુના મકાનોના જોખમી ભાગોને પણ તોડી પાડવાની કામગીરી યથાવત રાખવામાં આવી હતી. અત્યાર સુધીમાં ૩૫ જેટલા મકાનોના જોખમી ભાગોને તોડી પડાયા છે. નોંધપાત્ર છેકે અગાઉ મ્યુનિ.તંત્ર દ્વારા જોખમી મકાનો પર નોટિસ ચોંટાડીને તેમજ તેના માલિકને જોખમી ભાગ દુર કરવાની સુચના આપીને જ સંતોષ માનવામાં આવતો હતો. પરંતુ આ વખતે મકાનોની જર્જરિત હાલત વધુ જોખમી જોવા મળતા મ્યુનિ.તંત્ર દ્વારા બિલકુલ બેદરકારી દાખવ્યા વગર જર્જરીત ભાગોને તોડી પાડવાની જ કામગીરી આરંભી દેવામાં આવી છે. જેને લઇને રથયાત્રામાં આવતા લાખો ભક્તોની સલામતી વધુ સુનિચ્છિત બની છે.

નોંધપાત્ર છે કે રથયાત્રામાં ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો મકાનોના ધાબા પર ચઢી જતા હોય છે. તેવામાં આવા જોખમી મકાનો તૂટી પડવાની શક્યતા હોવાથી આવા મકાનોનો સર્વે કરીને તેના જોખમી ભાગો તોડી પાડવામાં આવી રહ્યા છે.

Previous articleલાંબી ઇનિંગ્સ નહીં રમવાથી નિરાશ છું, ચિંતિત નહીં : રાહુલ
Next articleઆંગડીયા પેઢીના કર્મચારીની નજર ચુકવી એક્ટીવાની ડેકીમાંથી પાંચ લાખ લઈને ફરાર