નવરંગપુરામાં આંગડીયા પેઢીના કર્મચારી સાથે બે શખ્સોએ અકસ્માત કર્યો છે કહીને ઝઘડો કર્યો હતો. બાદમાં આ શખ્સો કર્મચારીની નજર ચુકવીને તેના એક્ટીવાની ડેકીમાંથી પાંચ લાખ રોકડા ભરેલી થેલી લઈને પલાયન થઈ ગયા હતા. આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ રાયપુરમાં રહેતો તાનાજી એમ.પ્રજાપતિ રતનપોળમાં આવેલી મયુરકુમાર કાંતિલાલ આંગડીયા પેઢીમાં ઓફિસબોય તરીકે કામ કરે છે. ૨૭ જૂનના રોજ તે પેઢીના માલિકનું એક્ટીવા લઈને નવરંગપુરામાં સી.જી.રોડ પર આવેલ માલિકના મિત્રની ઓફિસમાંથી પાંચ લાખ રૂપિયા લેવા માટે ગયો હતો. અહીંથી તે પાંચ લાખ રોકડા ભરેલી થેલી એક્ટીવાની ડેકીમાં મુકીને પેઢી પર આવવા નીકળ્યો હતો.
દરમિયાન મીઠાખળી પાસે વસંતવિહાર સોસાયટીનાં નાકે ૩૫ થી ૪૦ વર્ષના બે અજાણ્યા શખ્સો એક્ટીવા લઈને આવ્યા હતા અને તાનાજીને અકસ્માત કર્યો છે કહીને એક્ટીવા ઉભુ રાખવા કહ્યું હતું. બાદમાં એક શખ્સે તાનાજીના એક્ટીવાની ચાવી કાઢી લીધી હતી અને સામેના રોડ પર જતો રહ્યો હતો.
આથી તાનાજી ચાવી લેવા તેની પાસે ગયો હતો અને રકઝક કરી ચાવી મેળવી લીધી હતી. બીજીતરફ બન્ને શખ્સો એક્ટીવા લઈને મીઠાખળી સર્કલ તરફ જતા રહ્યા હતા. તાનાજીને શંકા જતા એક્ટીવાની ડેકી ખોલીને જોતા પાંચ લાખ ભરેલી થેલી ગુમ હતી. આથી તેણે પેઢીના માલિકને આ અંગે જાણ કરી હતી. બાદમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં બન્ને શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.