શહેરના એક જાણીતા વકીલ સામે તેમનાથી લગભગ અડધી ઉંમરની યુવતીએ શારીરિક શોષણનો આક્ષેપ કર્યો છે. નામી વકીલ સામે યુવતીએ બે દિવસ સુધી સેક્ટર-૭ પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા બાદ નાછૂટકે માત્ર તેની અરજી લેવાઈ છે. જેના પર હવે તપાસ ચલાવીને સમગ્ર બાબતને દબાવી દેવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં બે દિવસ પહેલાં એક યુવતી આવી હતી. પ્રેગનેન્ટ યુવતીએ બાળક શહેરના એક જાણીતા વકીલનું હોવાનું અને વકીલે તેનું લલચાવી-ફોસલાવીને શારીરિક શોષણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. જાણીતા વકીલનું નામ સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. જોકે, પોલીસે યુવતીની ફરિયાદ લેવાની આનાકાની કરી હતી. જોકે, પોતે પણ વકીલ એવી યુવતીએ દબાણ કરતા પોલીસે આખરે ના છૂટકે તેની અરજી લેવાની ફરજ પડી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર શહેર જાણીતા અને વરિષ્ઠ વકીલથી લગભગ અડધી ઉંમરની યુવતી તેમના હાથ નીચે જ કામ કરતી હતી. ત્યારે યુવતીના આક્ષેપ પ્રમાણે વકીલે તેને લલચાવી-ફોસલાવીને સે-૧૧ની એક હોટેલ સહિતની જગ્યાએ જઈને તેનું અનેકવાર શોષણ કર્યું હતું. આ શોષણને પગલે યુવતી હાલ પ્રેગનેન્ટ છે, જોકે પહેલાંથી જ પરણિત વકીલે આ મુદ્દે હાથ ખંખેરી લેતા યુવતી આખરે પોલીસના શરણે પહોંચી છે. જોકે, બે દિવસ ધક્કા ખવડાવ્યા બાદ પોલીસે તેની અરજી લીધી હતી.