હાલમાં પાણીના વધતાં જતાં વપરાશના કારણે ભૂગર્ભ જળના તળ નીચે ઉતરી રહયા છે ત્યારે સરકાર આ બાબતે ચિંતીત બની છે અને ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાઓમાં આગામી તા.૧ જુલાઈથી જળ શક્તિ અભિયાનનો પ્રારંભ થવાનો છે ત્યારે આજે જિલ્લા કલેકટરે અધિકારીઓ સાથે બેઠક કરીને આ અભિયાન અંતર્ગત કરવાની થતી કામગીરી અંગે સમીક્ષા કરી હતી. ગામનું પાણી ગામમાં જ ઉતરે તે પ્રકારે જળસંચયના કામો હાથ ધરવામાં આવનાર છે.
દેશમાં અત્યારે ઘણા રાજયો પાણીની સમસ્યા સામે ઝઝુમી રહયા છે ત્યારે જમીનમાંથી પાણી ઉલેચી લેવાના કારણે તેના તળ નીચે ઉતરી રહયા છે. આવી સ્થિતિમાં ચોમાસામાં નદી અને દરીયામાં વહી જતાં પાણીને બચાવી તેને ગામમાં જ રોકી જમીનમાં ઉતારવાના પ્રયાસ થાય તો તળ ઉંચા આવી શકે તેમ છે.
જેને અનુલક્ષીને કેન્દ્ર સરકાર દ્વારા દેશના ર૬૮ જિલ્લાઓમાં જળ શક્તિ અભિયાન અંતર્ગત ભુગર્ભ જળ ઉંચા લાવવા માટે ખાસ કાર્યક્રમ કરવા માટે તાકીદ કરવામાં આવી છે જેમાં રાજયના ગાંધીનગર જિલ્લા સહીત બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં તા.૧ જુલાઈથી આ જળ શક્તિ અભિયાનનો પ્રારંભ થવાનો છે ત્યારે આજે જિલ્લા કલેકટર એસ.કે.લાંગાએ અભિયાન અંતર્ગત કરવાની થતી કામગીરીની સમીક્ષા કરી હતી અને અધિકારીઓને સૂચન પણ કર્યા હતા.
ગામનું પાણી ગામમાં જ રહે તે માટે કામગીરી કરવા તાકીદ કરવામાં આવી હતી. જેમાં ગ્રામ પંચાયતોની સાથે નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારના તંત્રને પણ સામેલ કરવામાં આવશે. સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓને પણ આ અભિયાન અંતર્ગત જોડી આ ચોમાસામાં પાણી જમીનમાં ઉતારવા માટે પુરતા પ્રયાસ કરાશે.