ભગવાન જગન્નાથજીની ૧૪૨મી રથયાત્રા ૪ થી જુલાઈના રોજ શહેરમાં નીકળનાર છે. આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે અને શ્રદ્ધાપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ગૃહ વિભાગ સંપૂર્ણ સજ્જ છે. આ માટે હાથ ધરાયેલી વ્યવસ્થાની ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે ગાયકવાડ હવેલી સ્થિત ક્રાઈમ બ્રાન્ચ કચેરી ખાતે સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી જાડેજાએ જણાવ્યું કે, રથયાત્રા સમગ્ર દેશના શ્રદ્ધાળુઓ માટે આસ્થાના કેન્દ્ર સમાન છે. આ યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ગૃહવિભાગે વિશેષ કાળજી લીધી છે. જગન્નાથ મંદિર ઉપરાંત શહેરમાં અન્ય રથયાત્રાઓ પણ નીકળે છે તે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
મંત્રીએ જણાવ્યું કે, સમગ્ર રથયાત્રાનો રૂટ ૨૬ ભાગમાં સુરક્ષાના હેતુસર વહેંચવામાં આવ્યો છે. રથયાત્રામાં સુરક્ષા અને સલામતી માટે એસ.આર. પી. અને સી.એ.પી.એફ. મળી ૩૭ ટૂકડી પણ તહેનાત કરવામાં આવી છે. આ રથયાત્રામાં ૩ રથ, ૧૯ હાથી, ૧૦૦ ટ્રક, ૩૦ અખાડા, ભજન મંડળીઓ, બેન્ડ તથા ૭ મોટરકાર જોડાવાની છે.
રથ, હાથી, ટ્રકો અખાડા અને ભજન મંડળી માટે મુવિંગ બંદોબસ્ત રખાયો છે, જેનું સુપરવિઝન ક્રાઈમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનર કરશે. ૫ નાયબ પોલીસ કમિશનર, ૧૫ મદદનીશ પોલીસ કમિશનર, ૩૭ પોલીસ ઇન્સ્પેક્ટર, ૧૭૭ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાશે.
રેન્જ ૪ થી ૨૬ માટે સ્ટેટિક બંદોબસ્ત રહેશે. આ દરેક રેન્જના ઇન્ચાર્જ અધિકારી તરીકે એસ.પી. કક્ષાના અધિકારી રહેશે. આ બંદોબસ્તમાં ૮ આઈજી, ૨૩ નાયબ પોલીસ કમિશનર, ૪૪ મદદનીશ પોલીસ કમિશનર, ૧૧૯ પોલીસ ઇન્સ્પેકટર તથા હોમગાર્ડ જવાનો મળી કુલ ૨૫ હજાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તહેનાત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં અમદાવાદ શહેરમાં કાર્યરત સી.સી.ટી.વી. કેમેરા ઉપરાંત કુલ ૪૫ સ્થળોએ ૯૪ જેટલા સી.સી.ટી.વી. કેમેરાથી મોનિટરિંગ કરાશે. રૂટ પર આવતા ૭ પોલીસ સ્ટેશનમાં સી.સી.ટી.વી. કેમેરા દ્વારા સર્વેલન્સ કરાશે. સમગ્ર રૂટ પર સફાઈ અને પીવાના પાણીની વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાશે.
રથયાત્રા માટે કોર્પોરેશન દ્વારા એક કંટ્રોલરૂમ પણ કાર્યરત કરાશે. ડ્રોનથી સમગ્ર રથયાત્રા રૂટનું હવાઈ નિરીક્ષણ કરાશે. આ કેમેરા દ્વારા શંકાસ્પદ પ્રવૃતિઓને ઓળખીને તેને કાઉન્ટર કરી શકાશે તેમ જણાવીને મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આકસ્મિક સંજોગોને પહોંચી વળવા ૧૫ ઊઇ્ ટીમ રાખવામાં આવી છે.
રૂટ પર આવતા આઠ પોલીસ સ્ટેશનોમાં મીની કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરાઇ છે. સાથે-સાથે શહેરીજનોની મદદ માટે પોલીસ દ્વારા ૧૭ ’જન સહાયતા કેન્દ્ર’ શરૂ કરનાર છે. જ્યારે રૂટ પર આવતા ૭ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી દ્વારા પેટ્રોલિંગ કરાશે. રથયાત્રામાં મોબાઈલ વાહનો પર સી.સી.ટી.વી. કેમેરા ગોઠવાશે.
બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રીએ રથયાત્રાના સમગ્ર રૂટનું ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું. મંત્રી દરિયાપુર એસ. ડિવિઝન થી થઇ તંબુ ચોકી થઇ દિલ્લી ચકલા ગયા હતા, ત્યાંથી મંત્રી દિલ્લી દરવાજા થઇ શાહપુર, માણેક્ચોક થઇ મ્યુનિસિપલ કોર્પોરેશન સુધીના રૂટનું નિરિક્ષણ કર્યું હતું. મંત્રી સાથે પેટ્રોલિંગમાં રાજ્યના પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝા, અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંઘ સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ જોડાયા હતા.
તંબુ ચોકી ખાતે બંને સમૂદાયના સામાજિક અને રાજકીય આગેવાનોએ પણ મંત્રીની રૂબરૂ મુલાકાત કરીને રથયાત્રાને સંપૂર્ણ સફળતા મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.