નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે રૂ.૩,૦૦૦ કરોડના ખર્ચે બનેલી સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ચોમાસાના માંડ બે ઇંચ હળવા વરસાદ વચ્ચે પાણી લીકેજ અને વરસાદના પાણી ટપકવાની ગંભીર ક્ષતિ સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગંભીર ક્ષતિની પોલ ખુલી જતાં અને તેના નિર્માણમાં દાખવાયેલી ચૂકને લઇ હવે અનેક સવાલો ઉઠતાં અધિકારીઓ પણ લૂલો બચાવ કરતા જોવા મળ્યા હતા. નર્મદા જિલ્લામાં હજુ માંડ બે ઇંચ વરસાદ થયો છે, ત્યાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ઉપરના ભાગે આવેલી વ્યૂઇંગ ગેલેરીની છત, મ્યૂઝિયમ અને અન્ય રૂમોમાંથી પાણી ટપકવા લાગ્યું હતું. જો આ પ્રકારે સતત પાણી ટપકયા કરે તો, ભારેથી અતિ ભારે વરસાદ અને અતિવૃષ્ટિના સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની સલામતીને લઇને પણ ગંભીર દહેશત સર્જાવાના સવાલો પણ હવે ઉઠી રહ્યા છે. દરમ્યાન પાણી લીકેજના હોબાળા અને વિવાદ બાદ એલ.એન્ડ.ટી અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સીઇઓ તાબડતોબ ત્યાં પહોંચી ગયા હતા.
જ્યાં તેમણે ટપકતા પાણીના પ્રશ્નને ડિઝાઇનનો ભાગ ગણાવી હાસ્યાસ્પદ ખુલાસો કર્યો હતો. અધિકારીઓએ કહ્યું કે, પાણીની સમસ્યાથી નુકસાન થતું નથી, છતાં તકેદારી રખાશે. ઉલ્લેખનીય છે કે, ગત ૩૧ ઓક્ટોબરના રોજ પીએમ મોદીએ તેમના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સિવાય અધિકારીઓએ જણાવ્યું કે, સોમવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના મેન્ટેનસ માટે રજા રાખવામાં આવે છે. તેમજ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ઓફિશિયલ ટિ્વટર એકાઉન્ટ પર હાસ્યાસ્પદ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, પ્રતિમાની વ્યૂઇંગ ગેલેરીની અંદર પવન દ્વારા વરસાદી પાણી ફૂંકાય છે. પ્રવાસી નયન રમ્યો દ્રશ્યોનો આનંદ માણી શકે તે હેતુથી ગેલેરીની રચના કરવામાં આવી છે. ભરાયેલા પાણીનું મેન્ટેનન્સ ટીમ તુરંત નિકાલ કરી રહી છે. પ્રતિમાની વ્યૂઇંગ ગેલેરીની અંદર પવન દ્વારા વરસાદી પાણી ફૂંકાય છે. પ્રવાસી નયન રમ્યા દૃશ્યોનો આનંદ માણી શકે તે હેતુથી ગેલેરીની રચના કરવામાં આવી છે. જો કે, ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરાઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ પ્રતિમા નર્મદા નદીનાં પટ પર સાધુ હિલ પર સરદાર સરોવર ડેમમાંથી અંદાજે ૩.૫ કિલોમીટર ડાઉનસ્ટ્રીમ પર સ્થિત છે. માળખાનાં આધારનું નિર્માણ તા.૧૯ ડિસેમ્બર, ૨૦૧૫નાં રોજ શરૂ થયું હતું અને સંપૂર્ણ નિર્માણમાં ફક્ત ૩૩ મહિના લાગ્યાં હતાં. જેમાં ૧૮૦,૦૦૦ કયુ.મેટ્રિક સિમેન્ટ કોન્ક્રીટ, ૧૮,૫૦૦ ટનનું રિઇન્ફોર્સ સ્ટીલ, ૬,૫૦૦ ટન સ્ટ્રક્ચર્ડ સ્ટીલ, ૧,૭૦૦ ટન બ્રોન્ઝ અને ૧,૮૫૦ ટન બ્રોન્ઝ ક્લેડિંગનો ઉપયોગ થયો છે. આ પ્રતિમાનું માળખું ૧૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સામે અડીખમ રહે એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જો કે, આમ છતાં ચોમાસામાં આટલા હળવા વરસાદમાં ડિઝાઈનની પોલ ખુલી પડી જતાં ગંભીર અને અનેક સવાલો ઉઠવા સ્વાભાવિક અને સાહજિક છે. સત્તાવાળાઓએ તે અંગે વિચાર કરી નિરાકરણના દિશામાં પ્રયાસો શરૂ કર્યા છે