દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘ મહેર જારી રહી છે અનેક વિસ્તારોમાં આઠ ઇંચ સુધીનો વરસાદ ખાબકી ગયો છે. જેથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. અંબિકા નદીના કાઠે આવેલા આઠ ગામોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે. ૭૭ તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં કેટલીક જગ્યાએ આઠ ઈંચ સુધીનો વરસાદ નોંધાઈ ગયો છે. ભારે વરસાદની ચેતવણી વચ્ચે તંત્ર પણ સાબદુ થયેલુ છે. આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતના જુદા જુદા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો. વલસાડ, નવસારી, વડોદરા, સુરત, ભરૂચમાં ભારે વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાત પર અપર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ સર્જાઈ છે. જેથી વરસાદ જારી રહી શકે છે. હવામાન વિભાગે ચેતવણી આપતા કહ્યું છે કે, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, વડોદરામાં ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ વચ્ચે તંત્રને સજ્જ રહેવા માટે કહેવામાં આવ્યું છે. મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી માહોલ અને મેઘ મહેર યથાવત રહી છે. રાજયમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘમહેર જારી રાખી છે. રાજ્યના વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં ૨૦૪ મી.મી. એટલે કે આઠ ઇંચથી વધુ, પારડી તાલુકામાં ૧૮૦ મી.મી. એટલે કે સાત ઇંચથી વધુ, કપરાડા તાલુકમાં ૧૫૫ મી.મી. અને ઉમરગામમાં ૧૪૮ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૯ જુન ૨૦૧૯ને શનિવારના રોજ સવારે છ કલાક સુધીમાં વલસાડ તાલુકામાં ૧૩૭ મી.મી. એટલે કે પાંચ ઇંચ, કરજણ અને નવસારીમાં ૧૦૪ મી.મી., પલસાણામાં ૯૯ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં ચાર ઇંચ જેટલો તથા શિહોર-ગણદેવીમાં ૯૭ મી.મી., ધરમપુરમાં ૮૬ મી.મી., ઘોઘામાં ૮૪ મી.મી., લાઠીમાં ૭૯ મી.મી., ભરૂચમાં ૭૮ મી.મી., ખેરગામમાં ૭૭ મી.મી., ધોલેરામાં ૭૩ મી.મી. મળી કુલ આઠ તાલુકાઓમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ડભોઇ તાલુકામાં ૭૧ મી.મી., ચોર્યાસીમાં ૭૦ મી.મી., જલાલપોરમાં ૬૭ મી.મી., બાબરા-નેત્રંગમાં ૬૬ મી.મી., ગીરગઢડામાં ૫૩ મી.મી., ભાવનગરમાં ૫૧ મી.મી., માંડવી(સુરત)માં ૫૦ મી.મી. અને વાઘોડિયામાં ૪૯ મી.મી. મળી કુલ નવ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સુરત શહેર, બોટાદ, મહુવા, હાંસોટ, ઉમરાળા, અંકલેશ્વર, ધોળકા, આંકલાવ, વિસાવદર, ધંધૂકા, ગઢડા, ચીખલી, લીલીયા, જેશર, તળાજા, જાંબુઘોડા, વાગરા, ઉના, સંખેડા અને ગારીયાધાર મળી કુલ ૨૦ તાલકાઓમાં એક ઇંચથી વધુ જ્યારે અન્ય ૧૧ તાલુકાઓમાં અડધો ઇંચ કરતા વધ પાણી પડ્યું હોવાના અહેવાલો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે સવારે ૬.૦૦ થી ૮.૦૦ કલાક દરમિયાન માત્ર બે કલાકના ગાળામાં ડાંગ જિલ્લાના વઘાઇ તાલુકામાં ૧૦૨ મી.મી. એટલે કે ચાર ઇંચથી વધુ, ખેરગામમાં ત્રણ ઇંચ, વડોદરા-વાસદામાં બે ઇંચ અને આંકલાવ, માંગરોળ, ધરમપુર, નવસારી અને કામરેજમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહવાલો છે. ઉપરાંત આજ સવારે ૮.૦૦ થી ૧૦.૦૦ કલાક દરમિયાન ખેરગામ, છોટાઉદેપુર, મહુવા, વઘાઇ અને તિલકવાડામાં બે ઇંચથી વધુ જ્યારે કપરાડા, જેતપુરપાવી, બારડોલી, પલસાણા, પારડી, સુબિર, ધરમપુર, વલસાડ અને ડાંગમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.