અમદાવાદ જિલ્લાના ધંધુકા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં આજે ન્હાવા પડેલા બે યુવકો ડૂબવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. નર્મદા કેનાલમાં યુવકો ડૂબવાની ઘટનાની જાણ થતાં જ ધંધુકા ફાયરવિભાગના જવાનો તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા અને પાણીમાં ગરકાવ બનેલા યુવકોની ભાળ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા, બીજીબાજુ, આ બનાવની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટયા હતા તો, સ્થાનિક પોલીસે પણ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. કેનાલમાં ડૂબનાર બંને યુવકો સગાભાઇઓના મોતના સમાચારને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, કેનાલમાં ડૂબેલા બંને યુવકો સગા ભાઇઓ અવેશ સલીમભાઇ અને શેહજાદ સલીમભાઇ હોવાની વાત સામે આવી હતી. જો કે, પોલીસ તેમની ઓળખ અંગે તમામ પાસાઓ ચકાસી ખરાઇ કરી રહી છે. અમદાવાદ જિલ્લાના ધંધુકા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં આજે બે યુવકો ન્હાવા પડયા હતા. જો કે પગ લપસતાં તેઓ પાણીના વહેણમાં અચાનક ગરકાવ બન્યા હતા. બંને યુવકો ડૂબવાની જાણ થતાં સ્થાનિક લોકો કેનાલ પર ખૂબ મોટી સંખ્યામાં ઉમટયા હતા. બીજીબાજુ, ધંધુકા ફાયરવિભાગ અને સ્થાનિક પોલીસને જાણ કરાતાં કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ધંધુકા ફાયરવિભાગના જવાનોએ નર્મદા કેનાલમાં પાણીમાં ડૂબેલા યુવકોની ભાળ મેળવવાના ભારે પ્રયાસો હાથ ધર્યા હતા, જે મોડી સાંજ સુધી ચાલુ રાખ્યા હતા. મોડી સાંજે એક ભાઇ શેહજાદનો મૃતદેહ મળ્યો હતો પરંતુ બીજા ભાઇનો મૃતદેહ શોધવાના પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા હતા. બે સગાભાઇઓના નર્મદા કેનાલમાં ડૂબવાથી મોતના સમાચારને લઇ સમગ્ર પંથકમાં પણ શોકની લાગણી પ્રસરી ગઇ હતી.