ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને ૮૬ રને હરાવ્યુઃ સેમિફાઇલની રેસ રસપ્રદ બની

448

આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ ૨૦૧૯ની ૩૭મી મેચ વર્તમાન વિજેતા ઓસ્ટ્રેલિયા અને ઉપ વિજેતા ન્યૂઝિલેન્ડ વચ્ચે લંડનના ઐતિહાસિક લોડ્‌ર્સ મેદાન પર રમાઈ. ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં ન્યૂઝિલેન્ડને ૮૬ રનથી હરાવ્યું. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને નિર્ધારીત ૫૦ ઓવરોમાં ૯ વિકેટ ગુમાવીને ૨૪૩ રન બનાવ્યાં. જવાબમાં આખી ન્યૂઝિલેન્ડની ટીમ ૪૩.૪ ઓવરમાં ૧૫૭ રન પર આઉટ થઈ ગઈ.

ઓસ્ટ્રેલિયાની પણ મેચની શરૂઆતમાં સ્થિતિ કઈ સારી નહતી. તેણે પોતાના ટોચના ૫ બેટ્‌સમેન માત્ર ૯૨ રનમાં ગુમાવ્યાં હતાં. પરંતુ ઉસ્માન ખ્વાજા અને વિકેટકિપર બેટ્‌સમેન એલેક્સ કેરીએ ૬ઠ્ઠી વિકેટ માટે ૧૦૭ રનની ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી. ખ્વાજાએ સૌથી વધુ ૮૮ રન અને એલેક્સ કૈરીએ ૭૧ રન કર્યાં. ન્યૂઝિલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે છેલ્લી ઓવરમાં શાનદાર હેટ્રિક લઈને મેચમાં ૪ વિકેટ ઝડપી. જીમી નીશમ અને લોકી ફર્ગ્યુસને ૨-૨ વિકેટ લીધી. વિલિયમસનને પણ એક વિકેટ મળી.

ન્યૂઝિલેન્ડની ટીમ લક્ષ્યનો પીછો કરવા ઉતરી ત્યારે ઓસ્ટ્રેલિયાના બોલરો સામે ટકી શકી નહી. ન્યૂઝિલેન્ડ માટે કેપ્ટન કેન વિલિયમસને સૌથી વધુ ૪૦ રન કર્યાં. આ સિવાય ન્યૂઝિલેન્ડનો કોઈ પણ બેટ્‌સમેન વિકેટ પર ટકી શક્યો નહીં. ઓસ્ટ્રેલિયા માટે મિશેલ સ્ટાર્કે એકવાર ફરીથી ધારદાર બોલિંગ કરતા ૯.૪ ઓવરોમાં ૧ મેડન ઓવર સાથે ૨૬ રન આપીને ૫ વિકેટ ઝડપી. જેસન બેહરેનડોર્ફે ૨ વિકેટ મેળવી. લોયન, કમિન્સ અને સ્મિથને પણ ૧-૧ વિકેટ મળી.

ન્યૂઝિલેન્ડની આ હારથી પ્લેઓફની રેસ રસપ્રદ બની છે. અત્યાર સુધી ફક્ત ઓસ્ટ્રેલિયાએ જ પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું છે.

Previous articleરાહુલ દ્રવિડને બે વર્ષ માટે એનસીએની જવાબદારી, આજથી સંભાળશે કમાન
Next articleશ્રીલંકા અને વિન્ડિઝ વચ્ચે આજે વનડે ખેલાશે