કાનપુરના બર્રા વિસ્તારમાં એક મુસ્લિમ કિશોર સાથે મારઝૂડની ઘટના સામે આવી છે. કિશોરે આક્ષેપ કર્યો છે કે, તેણે ટોપી પહેરેલી હતી અને લોકોએ તેને જય શ્રી રામના નારા લગાવવા જણાવ્યું હતું. બર્રામાં વસવાટ કરનાર તાજ(૧૬) શુક્રવારે કિદવઇ નગર સ્થિત મસ્જિદમાંથી નમાજ પઢીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ત્રણ-ચાર અજાણ્યા બાઇક સવાર લોકોએ તેને રોક્યો હતો અને તેણે પહેરેલી ટોપીનો વિરોધ કર્યો હતો.
બર્રા પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર સતીશ કુમાર સિંહે જણાવ્યું હતું કે, બાઇક સવાર યુવકોએ તાજને જય શ્રી રામ બોલવા જણાવ્યું હતું. જ્યારે તેણે તેમની વાત માનવાથી ઇન્કાર કર્યો તો તેમણે તેને માર માર્યો હતો. આ અંગે અમને લેખિતમાં ફરિયાદ મળી છે અને આ મામલે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. તાજની મેડિકલ તપાસ કરવામાં આવી છે અને આરોપીઓની ઓળખ કરીને તેમની તપાસ કરવામાં આવી રહી છે. તાજે આક્ષેપ કર્યો હતો કે, મને માર મારનારા લોકોએ મને ધમકી આપી હતી કે આ વિસ્તારમાં માથા પર ટોપી પહેરીને નિકળવું નહીં. તેમણે મારી ટોપી પણ ઉતારી નાંખી હતી અને જય શ્રી રામ કહેવા જણાવ્યું હતું. તાજની સાથે જ્યારે મારઝૂડ થઇ ત્યારે તેણે બૂમો પાડી હતી ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલા લોકોએ તેને બચાવ્યો હતો. હાલમાંજ ઝારખંડમાં તબરેઝ અંસારીને બાઇક ચોરીની શંકામાં ઢોર માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલમાં તેનું મૃત્યું થયું હતું.