ATM કાર્ડની અદલાબદલી કરી પૈસા ઉપાડતો યુવાન ઝબ્બે

535

હિંમતનગર શહેરના સહકારીજીન વિસ્તારમાં એટીએમ કાર્ડ બદલી રૂ.૩૫ હજાર ઉપાડી લેનાર શખ્સની એસઓજી દ્વારા તપાસ હાથ ધરાતા સર્વેલન્સ, બાતમીદારો અને ફૂટેજની મદદથી એટીએમ કાર્ડ બદલીને લોકોના ખાતામાંથી નાણાં ઉપાડી લેતા દહેગામ તાલુકાના શખ્સને શુક્રવારે મોડી સાંજે મોતીપુરા સર્કલથી ઝડપી લઇ પૂછપરછ કરતા ૪ જિલ્લાના ૧૩ જેટલા ગુનાનો ભેદ ખુલ્યો હતો અને ૭૮૦૯૦ ની મત્તા રિકવર કરાઇ હતી.

ગત રવિવારે પ્રાંતિજ તાલુકાના મૌછા ગામની આંગણવાડી કાર્યકરનુ એટીએમ કાર્ડ બદલી લઇ રૂ.૩૫,૩૦૦ ઉપાડી લેવાયા બાદ એસઓજીને તપાસ સોંપતા અને એસઓજી પીએસઆઇ એસ એન પરમાર અને સ્ટાફ દ્વારા એક્સીસ બેન્કના એટીએમના ફૂટેજ મેળવી શખ્સોનો ટ્રેક રેકોર્ડ ચેક કરાતા અને અગાઉ અમદાવાદના મેઘાણીનગર અને સરદારનગરમાં યાજ્ઞિક ઉર્ફે ભૂરો વિષ્ણુભાઇ પટેલ વિરુદ્ધ એટીએમ કાર્ડ બદલી નાણાં ઉપાડી લેવા અંગે ફરિયાદો નોંધાયા બાદ પાસાની દરખાસ્ત થઇ હોવાનુ ખુલતા ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોને સક્રીય કરી તેને ઝડપવા તજવીજ હાથ ધરાતા દરમિયાન બાતમી મળી હતી કે યાજ્ઞિક પટેલ હિંમતનગર આવી રહ્યો છે જેને પગલે શુક્રવારે મોતીપુરા સર્કલે વોચ ગોઠવી ઝડપી ત્રણ એટીએમ કાર્ડ રૂ. ૨૩ હજાર, સોનાની વીંટી, સોનાની બે જોડ બુટ્ટી, સોનાની ચેન વગેરે જપ્ત કરી પૂછપરછ હાથ ધરતા આણંદ, સાબરકાંઠા, અરવલ્લી અને નડિયાદના ૧૩ ગુનાની કબૂલાત કરી હતી. એટીએમમાં નાણા ઉપાડવા આવતા લોકોના કાર્ડ મશીનમાં લોક થઇ જાય કે મશીન ઉપર કાર્ડ રહી ગયુ હોય તો તેવા કાર્ડ લઇ લેતો હતો અને તે કાર્ડનો ઉપયોગ અન્ય કાર્ડ ધારકના કાર્ડ બદલવા માટે કરતો હતો.

કોઇ પણ એટીએમ પાસે ઉભા રહી પૈસા ઉપાડતા આવડતુ ન હોય તેવા વ્યક્તિઓને મદદ કરવાના બહાને પાછળ ઉભા રહી પીન નંબર જાણી લેવાનો અને દરમિયાનમાં કાર્ડ બદલી લેવાનુ અને નજીકમાં આવેલ સોના ચાંદીની દુકાનમાં જઇ મશીન હોય તો કાર્ડ સ્વાઇપ કરી અલગ અલગ ઘરેણાની ખરીદી કરવાની તદ્દપરાંત સીસ્ટમ સ્લો ચાલતી હોય અને કાર્ડ ધારક કેન્સલનું બટન દબાવ્યા વગર નીકળી જાય તો હાજર રહી પૈસા વીડ્રો કરી લેતો હતો.

Previous articleહવે ૪૦ કિમીથી વધુ સ્પીડ રાખશો તો દંડ ભરવો પડશે
Next articleરથયાત્રા પહેલા RAFનું સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ