ગાંધીનગર જિલ્લામાં પોલીસ દ્વારા નારકોર્ટીકસના કેસો શોધવા માટે દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબી અને એસઓજીએ સંયુકત ઓપરેશન કરી શહેર નજીક ઝુંડાલ પાસે દહેગામ તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય સહિત બે વ્યક્તિઓને ૧ કિલો ૯૧૭ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડયા હતા અને કાર પણ કબ્જે કરી હતી. તેમની સામે અડાલજ પોલીસ મથકમાં ગુનો નોંધાવી વધુ તપાસ ગાંધીનગર એસઓજી દ્વારા હાથ ધરવામાં આવી છે.
રાજયમાં નારકોર્ટીકસના ગુનાઓ શોધવા માટે રાજય પોલીસ વડાએ આપેલી સુચનાના પગલે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ પણ જિલ્લા પોલીસને એલર્ટ રહી બાતમીદારો સક્રિય કરી આવા કેસો કરવા માટે તાકીદ કરી હતી. જેના અનુસંધાને એલસીબી પીઆઈ નીરજ પટેલ અને એસઓજી પીઆઈ જે.જી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.એમ.ઝાલા અને ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન કો.વિજયકુમારને બાતમી મળી હતી કે ગાંધીનગર જિલ્લાના ઝુંડાલ ગામમાં ઠાકોર વાસ પાસે બે ઈસમો જીજે-૧૮-એએચ-૮૫૮૯ નંબરની કાર લઈને ગાંજાના જથ્થા સાથે આવનાર છે.
આ બાતમીના આધારે પોલીસ ટીમોએ ત્યાં વોચ ગોઠવી હતી અને બાતમીવાળી કાર આવતાં તેમાં તપાસ કરતાં ૧ કિલો ૯૧૭ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો અને તેમાં સવાર મેલસિંહ મહોબતસિંહ પરમાર અને ઈશ્વરસિંહ અમરસિંહ પરમાર રહે.વાડીવાળો વાસ, શિયાવાડા, તા.દહેગામને ઝડપી પાડયા હતા અને આ અંગે અડાલજ પોલીસ મથકમાં નાર્કોટીકસ એકટ હેઠળ ગુનો નોંધી ૧૧પ૦૨ રૂપિયાનો ગાંજો અને પાંચ લાખની કાર જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી હતી.
પોલીસે ઝડપેલો ઈશ્વરસિંહ પરમાર દહેગામ તાલુકા પંચાયતમાં ભાજપનો સદસ્ય હોવાનું પણ બહાર આવતાં ભાજપ પક્ષમાં પણ ખળભળાટ મચી ગયો હતો.જેથી હવે પક્ષ દ્વારા પણ તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું લાગી રહયું છે. તો બીજી બાજુ આરોપીઓને ગાંધીનગર કોર્ટમાં રજુ કરતાં કોર્ટે બે દિવસના રીમાન્ડ ઉપર સોંપ્યા હતા.