અમદાવાદમાં ચોમાસામાં ભુવા, ખાડાઓએ જોખમ વધાર્યું

588

જમાલપુર બ્રિજના છેડે ફૂટપાથ અને રોડ પર મસમોટો ખાડો પડી જતા વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી આ ખાડો પડયો હોવા છતાંય મ્યુનિ.તંત્ર દ્વારા તેની મરામત કે સલામતી માટેની આડશ પણ મૂકવામાં આવી નહોતી. અનેક વાહનચાલકો આ ખાડાને કારણે પટકાયા હતા. આજે આ મામલે વાહનચાલકોની ઉગ્ર રજૂઆતો બાદ સફાળા જાગેલા મ્યુનિ.તંત્રએ ગંભીરતા ધ્યાને લઇને ખાડાની મરામતની કામગીરી હાથ ધરી હતી.

સાબરમતી નદી પરનો જમાલપુર બ્રિજ વાહનોની સતત અવર-જવરથી વ્યસ્ત રહેતો હોય છે. બ્રિજ અને બ્રિજ પરનો ફૂટપાથ જ્યાંથી શરૂ થાય છે ત્યાંજ મોટો ખાડો પડયો છે. જે ખાસ કરીને રાત્રી દરમિયાન અકસ્માતને નોતરી રહ્યો છે. મ્યુનિ.તંત્ર એકબાજુ રથયાત્રાની તૈયારીઓમાં વ્યસ્ત બની ગયું છે.

ત્યારે જમાલપુરના જગન્નાથજી મંદિર પાસેના આ બ્રિજ પાસેનો મોટો ખાડો પુરવાની કે તેની મરામત કરવાની તંત્રએ છેલ્લા ત્રણ દિવસથી તસ્દી ન લેતા સ્થાનિક લોકોમાં પણ આ મામલે રોષ જોવા મળી રહ્યો છે. લોક રજૂઆત અને આક્રોશને જોતા તંત્રએ આજે રહી રહીને પણ આ ખાડો પુરવાની કામગીરી હાથ ધરી હતી.

નોંધપાત્ર છેકે સારંગપુર બ્રિજના છેડે પણ આવા ખાડાઓ પડેલા જે બાબતે પણ તંત્ર દ્વારા કોઇ ધ્યાન અપાઇ રહ્યું નથી. વાહનચાલકોને તેમના નસીબ પર છોડી દેવાયા હોવાની લાગણી લોકો અનુભવી રહ્યા છે.

નોંધપાત્ર છે કે જમાલપુર બ્રિજનો આખો પટ્ટો શાકમાર્કેટ, ફૂલબજારના વેપારીઓ, લારીઓથી ભરચક રહેતો હોય છે. ત્યાં વાહનોની પણ ભારે અવર-જવર રહેતી હોય છે. હજુ ચોમાસાનો ભારે વરસાદ પણ શહેરમાં પડયો નથી ત્યાં બ્રિજ, રોડ પર પડતા ભુવાઓ, ખાડાઓ શહેરીજનો માટે મુશ્કેલીઓ સર્જી રહ્યા છે. ચોમાસામાં અનેક રોડ બેસી જવાની ફરિયાદો આવશે ત્યારે તંત્રએ આવી ફરિયાદો મામલે ગંભીરતા દાખવીને તાત્કાલિક પગલા ભરવાની માંગણી ઉઠવા પામી છે.

Previous articleદહેગામ તાલુકા ભાજપ સદસ્ય ગાંજાના જથ્થા સાથે ઝડપાયો
Next articleઈન્ડિયન આર્મીમાં જોડાવા માટે અમદાવાદમાં યોજાશે મેગા ભરતી મેળો