કેન્દ્ર સરકારે દેશમાં ’એક રાષ્ટ્ર, એક રેશનકાર્ડ’ વ્યવસ્થા લાગૂ કરવા માટે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ૩૦ જુન ૨૦૨૦ સુધી એક વર્ષનો સમયગાળો આપ્યો છે. આ વ્યવસ્થા હેઠળ કોઇ પણ લાભાર્થી દેશભરમાં ક્યાંયથી પણ સસ્તા ભાવે અનાજ ખરીદી શકે છે.
ખાદ્ય મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે, દસ રાજ્ય પહેલાંથી જ જાહેર વિતરણ પ્રણાલીના પાત્રતા મામલે પોર્ટેબિલિટી ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. જેમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગણાં અને ત્રિપુરા સામેલ છે.
તેમણે કહ્યું કે, આગામી વર્ષ ૩૦ જુન ૨૦૨૦ સુધી સમગ્ર દેશમાં ’એક રાષ્ટ્ર, એક રેશનકાર્ડ’ વ્યવસ્થાને લાગૂ કરવામાં આવશે. અમે આ વિશે રાજ્યોને ઝડપથી કામ આગળ વધારવા માટે પત્ર લખ્યો છે. નવી પ્રણાલીથી તે સુનિશ્ચિત થઇ શકે છે કે જો કોઇ પણ ગરીબ વ્યક્તિ એક સ્થાનથી બીજા સ્થાન પર જાય છે કો તેને રાશન મળવામાં કોઇ પ્રકારની પરેશાની થવી જોઇએ નહી. નવી સિસ્ટમથી બોગસ રાશનકાર્ડ સમાપ્ત થઇ જશે.
પાસવાને આગળ કહ્યું કે, તમિલનાડૂ, પંજાબ, ઓડિશા અને મધ્યપ્રદેશ સહિત ૧૧ રાજ્યોમાં રાશનકાર્ડ ધારકો માટે રાજ્યમાં એક સ્થાન પરથી અન્ય સ્થાન પર જવાની સ્થિતીમાં સસ્તુ રાશન મળવું સરળ થશે. આ રાજ્યોમાં રાશનની દુકાનમાં પોઈન્ટ ઓફ સેલ મશીનો પહેલાંથી જ લાગૂ થયેલી છે.
ખાદ્ય મંત્રીએ કહ્યું કે, મોદી સરકારના બીજા કાર્યકાળના ૧૦૦ દિવસના એજન્ડામાં સામેલ કાર્યક્રમોમાં આ કાર્યક્રમ પણ છે. સરકાર નવેમ્બર ૨૦૧૬ બાદથી દેશમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો અમલમાં લાવવા માટે પ્રયત્નશીલ છે. આ કાયદા હેઠળ દેશના ૮૦ કરોડ લોકોને સસ્તા ભાવે એકથી ત્રણ રુપિયા કિલોના ભાવે રાશન ઉપલબ્ધ કરાવવામાં આવે છે.