અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે કોરિયન દ્વિપને વિભાજિત કરનાર બિન સૈન્યકૃત ક્ષેત્રમાં પહોંચીને ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ સાથે વાતચીત કરી હતી. ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે ત્રીજી વખત આ વાતચીત યોજાઈ હતી જેમાં જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા થઇ હતી. બંનેએ મિડિયા કેમેરાની સામે એકબીજાની સામે ખુશખુશાલ રહીને હાથ મિલાવ્યા હતા અને ફોટો સેશન માટે પોઝ આપ્યા હતા. કિમ અને ટ્રમ્પની વચ્ચે આ ત્રીજી મુલાકાત રહી હતી. પરમાણુ નિસશસ્ત્રીકરણની દિશામાં આ મુલાકાત ખુબ મહત્વપૂર્ણ છે. આ પહેલા ટ્રમ્પ અને કિમની બીજી મુલાકાત હનોઇમાં થઇ હતી પરંતુ બેઠકના કોઇ પરિણામ મળ્યા ન હતા.
ટ્રમ્પ અને કિમ વચ્ચે પ્રથમ બેઠક સિંગાપોરમાં યોજાઈ હતી. આ મુલાકાતથી પહેલા બંને નેતાઓએ એકબીજાને પત્ર મળ્યા હોવાના અહેવાલને સમર્થન આપ્યું હતું. અમેરિકી પ્રમુખ ખુલ્લીરીતે કહેતા આવ્યા છે કે, ઉત્તર કોરિયા વિવાદનો ઉકેલ લાવવાની તેમની પ્રાથમિકતા રહેલી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાની જમીન ઉપર પ્રથમ વખત પગ મુક્યો છે. પૂર્વ દુશ્મન દેશની જમીન ઉપર પહોંચનાર તેઓ પ્રથમ અમેરિકી પ્રમુખ બની ગયા છે. આ ઐતિહાસિક ક્ષણમાં ટ્રમ્પે બિનલશ્કરીકૃત ક્ષેત્રમાં ઉત્તર અને દક્ષિણ કોરિયાને વિભાજિત કરનાર કંકરીતની સરહદને પાર કરીને ઉત્તર કોરિયાના ક્ષેત્રમાં પગલું મુક્યું હતું. આ વાતચીત ઉપર દુનિયાની નજર કેન્દ્રિત રહી હતી. જો કે, ટ્રમ્પ અને કિમ વચ્ચે થયેલી વાતચીતને લઇને કોઇ નવી વિગત સપાટી ઉપર આવી શકી નથી. કિમ જોંગ અને ટ્રમ્પ વચ્ચેની વાતચીતમાં તમામ જટિલ વિષય પર ચર્ચા થઇ હોવાનું જાણવા મળ્યું છે. બે દુશ્મન દેશોની વાતચીત પર દુનિયાની નજર હતી અને તમામ કેમેરાઓની પણ નજર હતી. પરમાણુનો મુદ્દો મુખ્યરીતે વર્ષોથી રહેલો છે.