સુશીલકુમાર શિંદે બનશે રાહુલ ગાંધીની જગ્યાએ કોંગ્રેસ અધ્યક્ષ?

435

લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસનુ અધ્યક્ષ પદ છોડવાનુ નક્કી કરી ચુકેલા રાહુલ ગાંધીની જગ્યાએ કોણ અધ્યક્ષ બનશે તેની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે એક અખબારે એવો અહેવાલ પ્રગટ કર્યો છે કે, નવા કોંગ્રેસ અધ્યક્ષ તરીકે મહારાષ્ટ્રના નેતા અને યૂપીએ સરકાર દરમિયાન ગૃહ મંત્રી રહી ચુકેલા સુશીલ કુમાર શિંદની નિમણૂંક કરાશે.અખબારે દાવો કર્યો છે કે, ગાંધી પરિવારે જ શિંદેની પસંદગી કરી છે પણ તેની જાહેરાત થતા થોડો સમય લાગશે. કારણ કે, હાલમાં રાજીનામુ આપવા માટેનુ નાટક પાર્ટીમાં ચાલી રહ્યુ છે.

રાહુલ ગાંધીએ ચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારી કોઈ રાજીનામુ આપવા તૈયાર નથી તેવો બળાપો કાઢ્યા બાદ અત્યાર સુધીમાં ૧૪૦ નેતાઓ રાજીનામુ આપી ચુક્યા છે અને આ સિલસિલો લાંબો ચાલે તેમ લાગી રહ્યુ છે. જોકે, શિંદેના નામની સાથે સાથે મલ્લિકાર્જુન ખડગે, ગુલામ નબી આઝાદ, અશોક ગહેલોત, જર્નાદન દ્વિવેદી અને મુકુલ વાસનિકના નામની પણ ચર્ચા થઈ હતી. એવુ મનાઈ રહ્યુ છે કે, શિંદે આજે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે. શિંદેને ગાંધી પરિવાર આજે અધ્યક્ષ બનાવવાના નિર્ણયની જાણકારી આપી શકે છે.શિંદે એટલા માટે પણ ગાંધી પરિવારની પસંદ બની શકે છે કે, તેમણે ક્યારેય પાર્ટીના નિર્ણયથી ઉપરવટ જઈને કામ કર્યુ નથી.

જ્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ચૂંટણી જીતી હતી ત્યારે શિંદે અને વિલાસરાવ દેશમુખ વચ્ચે સીએમ બનવાની હોડ હતી. પાર્ટીએ શિંદેને આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનાવ્યા ત્યારે શિંદેએ કોઈ વિરોધ કર્યા વગર જવાબદારી સ્વીકારી લીધી હતી.

ઉપરાંત શિંદે મહારાષ્ટ્રના દલિત નેતાઓ પૈકી એક છે અને આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી થશે. તેઓ કોંગ્રેસ અને એનસીપીને એક કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

Previous articleકોરિયાના દ્વીપને વિભાજિત કરનાર ક્ષેત્રમાં કિમને મળ્યા
Next articleપાણી બચાવવા માટે જળ સંરક્ષણને જનઆંદોલન બનાવો : મોદી