સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ૭૬મી વાર્ષિક સાધારણ સભા આજે ભાવનગર ખાતે યોજવામાં આવી હતી. જેમાં પ્રારંભમાં ચેમ્બરના પ્રમુખ સુનિલભાઇ વડોદરીયાએ સ્વાગતની સાથોસાથ જણાવેલ કે તેઓના એક વર્ષના કાર્યકાળ દરમ્યાન થયેલ કાર્યો પૈકી ઘોઘા-દહેજ રોપેક્ષ સર્વીસ, ભાવનગર-સોમનાથ તથા ભાવનગરથી પીપળી પૈકી અઘેલાઇ સુધીના ફોરલેનનું કામ શરૂ થઇ ગયેલ છે. આ ઉપરાંત ભાવનગર ખાતે પાસપોર્ટ સેવા કેન્દ્ર, ભાવનગર-અમદાવાદ ઇન્ટરસીટી ટ્રેન, નારી તથા માઢીયા ખાતે જીઆઇડીસી જાહેર થયેલ છે. સૌની યોજના હેઠળ શેત્રુંજી ડેમમાં પાઇપ લાઇન દ્વારા પાણી ચાલુ થઇ ગયેલ છે. તથા બોરતળાવ માટેના ટેન્ડર પણ બહાર પડી ગયેલ છે. એસટી ડેપોના નવા બિલ્ડીંગ અને શહેરમાં મલ્ટી લેવલ પાર્કીંગ બિલ્ડીંગની કામગીરી ચાલુ છે. આ ઉપરાંત એફએમ રેડીયો પણ કાર્યરત થયેલ છે. અણઉકેલ પ્રશ્ન પૈકી, ભાવનગર-સુરત ડેઇલી ટ્રેઇન, અઘેલાઇ-પીપળી સુધીનો ફોરલેન, લાંબા અંતરની ટ્રેઇનો, દેવલા-ગુંદળા બ્રીજ, ભાવનગર-મુંબઇ ફ્લાઇટનો સમય બદલવા માટે, રોપેક્ષ માટે નિયમિત રીતે ડ્રેઝીંગ થાય, કનેકટીવીટી વધે, સહિતના પ્રશ્નોની વિસ્તૃત છણાવટ કરેલ અને આ પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારીઓ અને પદાધિકારીઓના સતત સહકારની ઇચ્છા વ્યક્ત કરેલ.
સૌરાષ્ટ્ર ટેમ્બર ટ્રસ્ટ અને એક્સેલ ક્રોપ કેર લિ. તરફથી પ્રતિ વર્ષ આપવામાં આવતો વર્ષ ૨૦૧૮-૧૯નો સર પ્રભાશંકર પટ્ટણી એક્સેલ એવોર્ડ ઓફ એક્સેલેન્સ મેન્યુફેક્ચરર એક્સપોર્ટર ઓફ ભાવનગર (એસએમઇ) આ ક્ષેત્રે નમૂનેદાર કામ કરનાર ભાવનગર જિલ્લાની પ્રતિષ્ઠિત એકમ મે.બોરોન રબ્બર્સ ઇન્ડીયા ભાવનગરને અને મે.પ્રિન્સ કેર ફાર્મા પ્રા.લિ.ને સર્ટીફિકેટ ઓફ એપ્રિસિએશન્શ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવેલ.
આ એવોર્ડ પ્રાપ્ત કરનાર બોરોન રબ્બર્સ ઇન્ડીયાના દિપકભાઇ દોસીએ તેમના પ્રતિભાવમાં જણાવેલ કે વિકાસ માટે તંદુરસ્ત હરીફાઇ હોવી જોઇએ. જેથી પ્રગતિ માટે પ્રેરણા મળે, હાલમાં તેમના એકમ દ્વારા ૨૫ જેટલા દેશોમાં તેમની પ્રોડક્ટ એકસપોર્ટ થાય છે.
સર્ટીફિકેશન ઓફ એપ્રીસીએશન્સ મેળવનાર મે.પ્રિન્સ કેર ફાર્મા પ્રા.લિ.ના રાજેશભાઇ ધાંગધ્રરીયાએ તેમની પ્રોડક્ટ ૩૫ થી વધુ દેશોમાં એક્સપોર્ટ થતી હોવાનું જણાવેલ. ક્વોલીટીમાં ક્યારેય બાંધછોડ કરવી નહીં તેમજ કામદારોને જુદા જુદા સ્વરૂપે પ્રોત્સાહિત કરવા જોઇએ એમ જણાવેલ. આ પ્રસંગે મુખ્ય મહેમાન ભાજપના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ જણાવેલ કે મહાજનની સમાજમાં ઓળખ અલગ જ છે. એકતાની મોટી તાકાત છે. આજના પ્રસંગે વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. તે ચેમ્બરની સારી કામગીરીનું પ્રતિબિંબ છે.
આ પ્રસંગે અતિથિ વિશેષ ડીઆઇજી અશોકકુમાર યાદવે જણાવેલ કે સમગ્ર દેશમાં ભાવનગર જિલ્લાનો ક્રાઇમ રેટ ખુબ જ નીચો છે. તેઓએ ઝણાવેલ કે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ માત્ર પોલીસ તંત્રનું જ નથી લોકોએ પણ કાયદાનું પાલન કરી સહયોગ આપવો જોઇએ.
આ પ્રસંગે મેયર મનભા મોરી, ગીરીશભાઇ શાહ, જિલ્લા પંચાયતના પ્રમુખ વક્તુબેન મકવાણા, યુવરાજસિંહ ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ સનતભાઇ મોદી, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોશી વિગેરે ઉપસ્થિત રહેલ.