આખલોલ પુલના ડાયવર્ઝનમાં કાર સાથે તણાયેલા દાદી અને પૌત્રીના મૃતદેહ મળ્યા

888

ગત તા.૨૮ને શુક્રવારે મોડી સાંજે શહેરના પ્રવેશદ્વાર આખલોલ મહાદેવના ડાયવર્ઝનમાં ચાલુ વરસાદે ઇકો કાર સાથે અમદાવાદના મિસ્ત્રી પરિવારના સાત સભ્યો તણાઇ ગયા હતા.  જેમાં ત્રણ વ્યક્તિઓને સ્થાનિક લોકોએ બચાવી લીધા બાદ ભાવનગર ફાયર બ્રિગેડ સહિત એનડીઆરએફની ટીમે ઘટના સ્થળે પહોંચી જઇ તણાયેલા પૈકી બે વ્યક્તિઓને મોડી રાત્રે લાશો બહાર કાઢી હતી જ્યારે એક વૃદ્ધા અને એક માસુમ બાળા લાપત્તા બન્યા હતા. જેની શોધખોળ શરૂ રાખી હતી જેમાં આજે ૪૮ કલાક બાદની શોધખોળ પછી બંનેની લાશો મળી આવી હતી. આ બનાવમાં મૃત્યુઆંક ૪ થયો હતો.

ગત તા.૨૮ને શુક્રવારના રોજ મોડી સાંજે ભાવનગર પંથકમાં પડેલા ધોધમાર વરસાદ દરમ્યાન અમદાવાદના વસ્ત્રાલનો મિસ્ત્રી પરિવાર ભાવનગરના ચિત્રા ખાતે રહેતા તેમના વેવાઇના ઘરે ઇકો કારમાં આવી રહ્યા હતા ત્યારે આખલોલ મહાદેવના ડાયવર્ઝનમાં કાર બંધ પડી જતા પરિવારના સભ્યો ધક્કો મારવા નીચે ઉતરતા પાણીના પ્રવાહમાં કાર સાથે આખો પરિવાર તણાયો હતો આ દરમ્યાન સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને અરવિંદભાઇ ઉમરાળીયા, નેહાબેન ઉમરાળીયા તથા ચેતનભાઇ ઉમરાળીયાને બહાર કાઢી હોસ્પીટલ ખસેડાયા હતા. જ્યારે ચાર વ્યક્તિઓ પૂરના પ્રવાહમાં તણાયા હતા. આ બનાવની ફાયર બ્રિગેડને જાણ કરાતા તુરંત જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને શોધખોળ શરૂ કરી હતી. દરમ્યાન જિલ્લા કલેકટર દ્વારા એનડીઆરએફની ટીમનો બોલાવાતા એનડીઆરએફની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને શોધખોળ શરૂ કરી હતી. જેમાં શુક્રવારની મોડી રાત્રે કેયુરભાઇ અરવિંદભાઇ ઉમરાળીયા તથા તેમના પત્ની રીટાબેન કેયુરભાઇ ઉમરાળીયાની લાશ બહાર કઢાઇ હતી. જ્યારે લત્તાબેન અરવિંદભાઇ ઉમરાળીયા (ઉ.વ.૫૬) તથા આરાધ્યા કેયુરભાઇ ઉમરાળીયા (ઉ.વ.૨) લાપત્તા બન્યા હતા. જેની શોધખોળ શરૂ રાખી હતી.

આજે એનડીઆરએફ અને ફાયરની ટીમ દ્વારા ડોગસ્કવોર્ડ તેમજ ડ્રોન કેમેરાની મદદ વડે શોધખોળ શરૂ કરી હતી જેમાં મોડી સાંજે લાપત્તા બનેલા દાદી-પૌત્રીની લાશ મળી આવી હતી. આમ આ બનાવમાં એનડીઆરએફ અને ફાયરની રેસક્યુ ટીમ તથા પોલીસ અને વહીવટી તંત્રની સારી કામગીરી રહેવા પામી હતી.

Previous articleસંવેદનશીલ વિસ્તારમાં આરએએફની રૂટમાર્ચ
Next articleપ્રિયંકા ચોપડા સૌથી મોંઘી સ્ટાર પૈકીની એક તરીકે છે