પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીએ આજે કહ્યું હતું કે, ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં ૧૨ અને ૧૮ ટકાના ટેક્સ સ્લેબને મર્જ કરી દેવાની જરૂર છે. આનાથી રેવેન્યુમાં વધારો થશે. સાથે સાથે બે સ્તરીય ટેક્સ લાગૂ થઇ જશે. જીએસટીને અમલી કરવામાં આવ્યા બાદ આ પ્રક્રિયાને બે વર્ષ પૂર્ણ થયા બાદ ફેસબુક પોસ્ટ ઉપર જેટલીએ કહ્યું હતું કે, ૨૦થી વધુ રાજ્યો પહેલાથી જ તેમના રેવેન્યુમાં ૧૪ ટકાથી પણ વધુનો વધારો દર્શાવી ચુક્યા છે જેથી જીએસટી અમલીકરણના પરિણામ સ્વરુપે થઇ રહેલા રેવેન્યુ નુકસાન માટે તેમને વળતર આપવા કેન્દ્રને જરૂરિયાત દેખાઈ રહી નથી. જેટલીએ મે મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મોદી-૨ સરકારમાં પ્રધાન બનવાની અનિચ્છા દર્શાવી હતી. જેટલીએ એ વખતે કહ્યું હતું કે, આરોગ્યના કારણોસર તેઓ મંત્રી બનવા માટે ઇચ્છુક નથી. ગ્રાહકોની મોટાભાગની વસ્તુઓને ૧૮ ટકા, ૧૨ ટકા અને ૫ ટકાની કેટેગરીમાં લાવવામાં આવી શકે છે. નાણામંત્રીના નેતૃત્વમાં જીએસટી કાઉન્સિલમાં રાજ્યોના નાણામંત્રી રહેલા છે. જીએસટી કાઉન્સિલ દ્વારા છેલ્લા બે વર્ષના ગાળામાં ટેક્સ રેટમાં ઘટાડો કરી દીધો છે જેના પરિણામ સ્વરુપે ૯૦૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું રેવેન્યુ નુકસાન થઇ ચુક્યું છે. લકઝરી અને અન્ય કિંમતી ચીજવસ્તુ સિવાય ૨૮ ટકાના ટેક્સ સ્લેબને દૂર કરી દેવાની જરૂર છે. જેટલીનું કહેવું છે કે, મોદી સરકારે આ દિશામાં આગળ વધવા માટે વિચારણા કરવી જોઇએ. જીએસટીમાં ૧૨ અને ૧૮ ટકાના ટેક્સ સ્લેબ સાથે આગળ વધવાની બાબત અસરકારક રહી શકે છે. જેટલી મે મહિનામાં જ પ્રધાન બનવાની અનિચ્છા દર્શાવી ચુક્યા છે જેથી નવી સરકાર બન્યા બાદ જેટલીની જગ્યાએ નિર્મલા સીતારામનને નાણામંત્રી તરીકે જવાબદારી સોંપાઈ હતી.