શેરબજારમાં આજે તેજીનું મોજુ ફરી વળ્યું હતું. જોરદાર લેવાલીનો માહોલ ફાઈનાન્સિયલ અને બેંકિંગના શેરમાં જામ્યો હતો. આ ઉપરાંત ઓટો મોબાઇલ અને રિયાલીટીના શેરમાં પણ જોરદાર તેજી જોવા મળી હતી. સ્થાનિક ઇન્ડેક્સમાં ત્રણ સપ્તાહની ઉંચી સપાટી આજે જોવા મળી હતી. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરને લઇને ચાલી રહેલી દુવિધા આખરે દૂર થઇ ગઇ છે. બંને દેશો વેપાર મંત્રણાને આગળ વધારવા માટે રાજી થઇ ગયા છે. આવી સ્થિતિમાં શેરબજારમાં તેની અસર પણ રહી હતી. ફાઈનાન્સિયલ અને બેંકિંગ શેરોમાં જોરદાર લેવાલી જામી હતી. બીએસઈ સેંસેક્સ ૨૯૨ પોઇન્ટ ઉછળીને ૩૯૬૮૬ની ઉંચી સપાટીએ રહ્યો હતો. તાતા મોટર્સ, બજાજ ઓટો અને એચડીએફસીના શેરમાં જોરદાર તેજી રહી હતી. બ્રોડર નિફ્ટી ૭૭ પોઇન્ટ ઉછળીને નવી ઉંચી સપાટીએ રહ્યો હતો. તેની સપાટી ૧૧૮૬૬ રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૮૧ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૮૮૯ અને સ્મોલકેપમાં ૪૩ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૨૮૩ રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો રિયાલીટીમાં બે ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ઓટો મોબાઇલ ફાર્મા અને બેંક કાઉન્ટરમાં તેજી જામી હતી. આ તમામમાં એક-એક ટકાની આસપાસનો ઉછાળો નોંધાયો હતો. સ્થાનિક ઇન્ડેક્સમાં ત્રણ સપ્તાહની ઉંચી સપાટી રહી હતી. એવરેડ્ડી ઇન્ડસ્ટ્રીના શેરમાં પાંચ ટકાની નિચલી સર્કિટ જોવા મળી હતી. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં ૧૦ ટકા સુધીનો ઘટાડો શરૂઆતી કારોબારમાં રહ્યો હતો. કારોબારના અંતે તેના શેરમાં ઉતારચઢાવની સ્થિતિ રહી હતી. વૈશ્વિક બજારોમાં ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોરને લઇને સ્થિતિ હળવી બનતા તેની અસર જોવા મળી હતી. અમેરિકા અને ચીન વેપાર મંત્રણા પુનઃ શરૂ કરવા માટે રાજી થયા છે. આની અસર હેઠળ આજે જાપાનના નિક્કીમાં ૨.૧૩ ટકાનો અને દદક્ષિણ કોરિયાના કોસ્પીમાં ૦.૦૪ ટકાનો ઉછાળો રહ્યો હતો. તેલ કિંમતોમાં આજે બેરલદીઠ એક ડોલરનો વધારો થયો હતો. વિયેનામાં આગામી સપ્તાહમાં ૨૦૧૯ના અંત પહેલા અંતિમ બેઠક યોજનાર છે તે પહેલા તેલ કિંમતોમાં વધારો નોંધાયો છે. હાલમાં જાપાનના શહેર ઓસાકામાં જી-૨૦ બેઠકના ભાગરુપે અમેરિકા અને ચીનના પ્રમુખ મળ્યા હતા. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીની પ્રમુખ જિંગપિંગ વચ્ચે લાંબી બેઠક યોજાઈ હતી જેમાં બંને દેશો ટ્રેડ વોરનો અંત લાવવા સહમત થયા હતા. સાથે સાથે વેપાર વાતચીતને આગળ વધારવા માટે પણ રાજી થયા હતા. આની સીધી અસર હવે જોવા મળનાર છે. આજે કારોબાર દરમિયાન અદાણી પાવરના શેરમાં ૧૭ ટકા સુધીનો ઉછાળો રહ્યો હતો.