ગુજરાત સરકાર દ્વારા મા અમૃતમ કાર્ડ ધારક પરિવારને ૩ લાખ સુધીની સારવાર નોંધાયેલી હોસ્પિટલમાં મફત પૂરી પાડવામાં આવે છે. જેનો લાભ આજે મહત્તમ લોકો લઇ રહ્યાં છે. અમદાવાદના પરિપ્રેક્ષ્યમાં નજર કરીએ તો અમદાવાદ મહાનગર પાલિકા વિસ્તારના ૭૫,૪૮૫ લોકોને મા કાર્ડ અને ૨૯૫૬૭૪ લોકોને મા વાત્સલ્ય કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ૭૮૭૦૨ લોકોને મા કાર્ડ અને ૧૨૮૫૪૪ લોકોને મા વાત્સલ્ય કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં અમદાવાદ મહાનગર પાલિકાના વિસ્તારના કુલ ૧૭૬૫૦૭ ક્લેમ કરવામાં આવ્યા છે. જેમા સરકાર દ્વારા ૨૮૨ કરોડ ૧૬ લાખ ૮૪ હજાર ૧૪૮ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. જ્યારે
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૩૭૫૬૦ ક્લેમ કરવામાં આવ્યા છે. જેમાં સરકાર દ્વારા ૭૮ કરોડ ૮૯ લાખ ૫૯ હજાર ૪૬૫ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. આખા અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો, અત્યાર સુધીમાં સરકારે દર્દીઓની મફત સારવાર પેટે ૩૬૧ કરોડ ૬ લાખ ૪૪ હજાર ૨૪૯ રૂપિયાની સારવાર કરી છે.
આ વિશે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શિલ્પા યાદવ કહે છે કે, ગુજરાત સરકારની યોજના સિવાય રાજ્યમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત કુલ ૩ લાખ ૮૧ હજાર ૨૧૬ લોકોને ગોલ્ડન કાર્ડ આપવામાં આવ્યા છે.
હજુ ૪૬૫૪ કાર્ડ પેન્ડીંગ છે અને ૩૪૩૦૦ લોકોની અરજી રિજેક્ટ કરવામાં આવી છે.