અમદાવાદના જુના વાડજ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે ચાર દિવસ પહેલાં છરી વડે હુમલો કરી હત્યાની ઘટના બની હતી. જે કેસમાં નાસતા-ફરતાં બે આરોપીને ગાંધીનગરની અડાલજ પોલીસે દબોચી લીધા છે.
અડાલજ પોલીસના સર્વેલન્સ સ્કવોડના હેડ કોન્સ્ટેબલ કેવલસિંહને બાતમી મળી હતી કે ચાંદખેડાથી જીજે – ૦૧ પીયુ – ૯૧૧૮ નંબરના એક્ટિવા પર ચાંદખેડાથી નીકળેલા આરોપીઓ અડાલજ થઈ મહેસાણા તરફ જવાના છે. જેના આધારે અડાલજ પોલીસે બાલાપીર ચોકડી પાસેથી શુક્રવારે રાત્રે ૮ કલાકે આરોપીઓને ઝડપી લીધા હતા.
અડાલજ પોલીસે આરોપીઓ રાજદિપસિંહ વિક્રમસિંહ પરમાર (રહે-ચંદ્રભાગા હાઉસિંગ બોર્ડ, નવાવાડજ) તથા મંયક નટવરલાલ રાવત (રહે-રાવતવાસ, રામપીર ટેકરો, જુના વાડજ)ને હત્યામાં વપરાયેલી છરી અને એક્ટિવા સાથે વાડજ પોલીસે સોંપ્યા હતા અને હવે આ કેસમાં વધુ કડી મેળવવા બંનેની સઘન પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.