આરોગ્ય કેન્દ્રોમાં ડોક્ટરની હાજરી પર નજર રાખવા CCTV નંખાશે

475

ગાંધીનગર જિલ્લાના પ્રાથમિક અને આરોગ્ય કેન્દ્રમાં ઓપીડીના સમયે પણ ઓપીડીના સમયે ડોક્ટર હાજર રહેતાં નથી. આવી વારંવારની ફરિયાદો મળવાના કારણે આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની ગતિવિધિઓ ઉપર નજર રાખવા માટે તેમજ ચોરીના બનાવો અટાવવા માટે સીસીટીવી કેમેરા ફીટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે પરંતુ જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી સીસીટીવી માટે રૂપિયા ૫૦ લાખનો ખર્ચ પાડવામાં આવતાં ઘણા સદસ્યોમાં કચવાટ થયો છે. સરકારનો તોતીંગ પગાર લેવા છતાં ફરજ ઉપર હાજર નહીં રહેતા આવા તબીબો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથી જેના ઉપર પણ સભ્યોએ સવાલો ઉઠાવ્યા હતાં.

ગાંધીનગર જિલ્લામાં આવેલા પ્રાથમિક – સામુહિક આરોગ્ય કેન્દ્રમાં નિયમ પ્રમાણે મેડિકલ ઓફિસરે રાઉન્ડ ધ ક્લોક એટલે કે ર૪ કલાક હાજર રહેવાનું હોય છે એટલું જ નહીં તેમણે હેડકવાર્ટર છોડવાની મંજુરી પણ આપવામાં આવતી નથી તેમ છતાં ગાંધીનગર જિલ્લાના પ્રાથમિક  – સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો મન ફાવે ત્યારે આવે છે અને જાય છે. જેના કારણે ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની આરોગ્ય સેવાઓ કથળી છે.

દર્દીઓને સામાન્ય બિમારીની સ્થિતિમાં પણ ગાંધીનગર સુધી ધક્કા ખાવાની નોબત આવે છે. એટલું જ નહીં જિલ્લા પંચાયતના ચેરમેન કે સદસ્યો પોતાના વિસ્તારના મેડિકલ ઓફિસરને ફોન કરે છે તો તેમને પણ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી. આવી સ્થિતિમાં આરોગ્ય કેન્દ્રમાં તબીબોની હાજરીના પુરાવા રહે અને ડોક્ટરોની ગતિવિધિ ઉપર નજર રાખી શકાય તે માટે સીસીટીવી કેમેરા ફીટ કરવા માટે શનિવારે મળેલી સામાન્ય સભામાં નિર્ણય લેવામાં આવ્યો છે.

ગાંધીનગર જિલ્લા પંચાયત ના સ્વભંડોળમાંથી ૫૦ લાખ રૂપિયાના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે સ્વભંડોળમાં ખર્ચો પાડવા સામે કેટલાક સદસ્યોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

ગાંધીનગર જિલ્લામાં ખાસ કરીને ગાંધીનગર તાલુકામાં આવેલાં પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રના તબીબો પોસ્ટમોર્ટમ કરતાં નથી. જેના કારણે ગાંધીનગર સિવિલ અને પોલીસની સાથે સાથે મૃતકના સગાને ભારે વેઠવી પડે છે. આવી સ્થિતિમાં તબીબો દ્વારા પોસ્ટમોર્ટમ કેમ કરવામાં આવતું નથી તે માટે જિલ્લા સદસ્ય દ્વારા સામાન્ય સભામાં પ્રશ્ન પુછવામાં આવ્યો હતો.

ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા શનિવારે મળી હતી. જેમાં પુર્વ કારોબારી ચેરમેન અરવિંદસિંહ સોલંકીએ પોસ્ટમોર્ટમનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જિલ્લા આરોગ્ય અધિકારીની ભિંસમાં લીધા હતા અને તબીબો દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવતું નથી. તેમ છતાં તેમના વિરૂદ્ધ કેમ પગલાં ભરવામાં આવ્યા નથી. તેવા સવાલો પણ કર્યા હતા.

જો કે, આરોગ્ય અધિકારીએ આ પ્રશ્ન દિવસે અને દિવસે પેચીદો બનતો હતો. જેને લઇને તમામ મેડિકલ ઓફિસરને પોતાના આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ કરવા માટે સૂચના આપી દીધી છે. જો કે તેનું પાલન થાય છે કે નહીં તે હવે જોવું જ રહ્યું!

Previous articleવરસાદ ખેંચાતા છત્રી-રેઈનકોટનો વેપાર નીરશ : વેપારીઓ મુઝાયા
Next articleગાંધીનગરના બિલ્ડર અને વકીલે ગર્ભવતી યુવતીને નશીલો પદાર્થ ખવડાવી દુષ્કર્મ આચર્યું