વરસાદ ખેંચાતા છત્રી-રેઈનકોટનો વેપાર નીરશ : વેપારીઓ મુઝાયા

708

થોડા દિવસો પહેલા મેઘરાજાએ નગરને પાણીમય બનાવ્યા બાદ જાણે કોઇની નજર લાગી હોય તેમ આકાશે વાદળ બંધાવા છતાં પણ વરસાદ પડુ પડુ થયા પછી હાથ તાલી આપીને જતો રહે છે. તો બીજી બાજુ શહેરમાં છત્રી અને રેઇનકોટનું વેચાણ કરતાં વેપારીઓ વરસાદ ન પડતાં ચિંતામાં મુકાયા છે. ગત વર્ષ કરતાં રેઇનકોટની ખરીદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેથી વરસાદ ન પડતાં લાખો રૂપિયાના રેઇનકોટ પડી રહ્યાં છે.

ગત વર્ષે વરસાદ સળંગ દિવસોમાં વરસ્યો હતો. તેથી ખેડૂતો વાવણી સારી કરી શક્યા હતાં. પરંતુ આ વર્ષે જેવો જોઇએ તેવો વાવણી લાયક વરસાદ હજુ સુધી થયો નથી. જેના કારણે ખેડુતો ચિંતીત બન્યા છે. તો બીજી તરફ સિઝન પ્રમાણે વેપાર કરતા વેપારીઓ પણ વરસાદની હાથ તાળીથી પરેશાન થઇ રહ્યાં છે. બજારમાં રેઇનકોટ વેચતા વેપારીઓ ગ્રાહકોના અભાવે ચિંતીત બન્યા છે.

ગત સપ્તાહે પડેલા વરસાદ બાદ મેઘરાજાએ રજા રાખતા વેપારીઓના લાખોના છત્રી અને રેઇનકોટ પડી રહ્યા હોવાનું નાના વેપારી ભીખુભાઇ પટ્ટણીએ જણાવ્યુ હતુ. વરસાદના સિઝનમાં નાગરીકો રેઇનકોટ ખરીદતા હોય છે. પરંતુ ૫ દિવસ પહેલા વરસાદ બાદ માત્ર કાળા ડિબાંગ વાદળો ઘેરાવા છતાં નહીં વરસતા મેઘરાજાથી છત્રી અને રેઇનકોટના વેપારીઓ દુખી થઇને વરસાદની રાહ જોઇ રહ્યા છે.

શહેરના બજારમાં આ વર્ષે અવનવી ડિઝાઇન અને કલર્સમાં છત્રીઓ તથા છોટાભીમ, ડોરેમોન, મોટુપતલુ સહિતના બાળકોના પ્રિય કાટુર્ન કેરેકટર છાપેલા રેઇનકોટ આવી ગયા છે. જે ૨૦૦ થી લઇને ૪૦૦ રૂપિયાના ભાવે બજારમાં વેચાતા જોવા મળી રહ્યાં છે.  પાટનગરના રસ્તાઓ પર છત્રીઓ ગોઠવીને નાના વેપારીઓ ગ્રાહકો આવે તેની રાહ જોઇ રહ્યાં છે. પાટનગર સહિત જિલ્લામાં મેઘરાજાએ છેલ્લા એક સપ્તાહથી જાણે રજા રાખી હોય તેવો માહોલ સર્જાયો છે.

Previous articleવૈદિક પરિવાર દ્વારા સન ગેઝીંગ અને વ્યવહાર કુશળતા દ્વારા માનસિક પ્રસન્નતા વિષયો ઉપર વ્યાખ્યાનો યોજાયા
Next articleઆરોગ્ય કેન્દ્રોમાં ડોક્ટરની હાજરી પર નજર રાખવા CCTV નંખાશે