કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનની અવધિ ૬ મહિના વધારવાનું બિલ અને જમ્મુ-કાશ્મીર અનામત સંશોધન બિલ ૨૦૧૯ રાજ્યસભામાં રજૂ કરી દીધા છે. ગૃહ મંત્રીએ બિલને રજૂ કરતાં જણાવ્યું કે અનામત સંશોધન બિલ પાસ થવાથી જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદે વસતાં ૪૩૫ ગામોના યુવાઓને ફાયદો મળશે. જોકે રાજ્યસભામાં બીજેડી, ટીએમસી અને સપાએ રાષ્ટ્રપતિ સાશનને વધારવા માટે સમર્થન આપ્યું છે.અમિત શાહે કહ્યું કે ચૂંટણી પંચે રાજ્યમાં તમામ ભાગીદારો સાથે વાત કરીને, ધાર્મિક આયોજનો, તહેવારો અને સુરક્ષાની સ્થિતિ અંગે તપાસ કર્યા બાદ કહ્યું છે કે રાજ્યમાં વર્ષના અંત સુધી ચૂંટણી યોજવી શક્ય થઈ શકે છે. એવી સ્થિતિમાં કેન્દ્ર સરકારની પાસે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની અવધિ વધારવા ઉપરાંત અન્ય કોઈ વિકલ્પ નથી રહી જતો. અમિત શાહે કહ્યું કે હું પ્રસ્તાવ લઈને આવ્યો છું કે જમ્મુ-કાશ્મીરની અંદર રાષ્ટ્રપતિ શાસનની અવધિ કાલે સમાપ્ત થઈ રહી છે તેને વધુ ૬ મહિના માટે લંબાવવામાં આવે.
બિલ રજૂ થયા બાદ હવે તે અંગે રાજ્યસભામાં ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસની સાંસદ વિલ્પવ ઠાકુરે સરકાર પર જમ્મુ-કાશ્મીરની સ્થિતિ બગાડવાનો આરોપ લગાવ્યો છે અને સાથોસાથ પૂછ્યું કે જો ત્યાં લોકસભા ચૂંટણીનું મતદાન થઈ શકે છે તો વિધાનસભા ચૂંટણી કેમ ન થઈ શકે. નોંધનીય છે કે, લોકસભામાં રાષ્ટ્રપતિ શાસનની અવધિ વધારવાનું બિલ પાસ કરી દેવામાં આવ્યું છે. લોકસભામાં જ્યાં કોંગ્રેસે જમ્મુ-કાશ્મીર અનામત બિલનું સમર્થન કર્યુ તો બીજી તરફ રાષ્ટ્રપતિ શાસનની અવધિ વધારવાના બિલનો વિરોધ કર્યો હતો.