આજથી વિધાનસભાનું ચોમાસુ સત્ર : નીતિન પટેલ સંપૂર્ણ બજેટ રજૂ કરશે : રોજગારીને મહત્વ

1300

આવતીકાલ(૨ જૂલાઈ)થી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. મંગળવારથી શરૂ થનારૂ વિધાનસભા સત્ર ૨૫ જૂલાઇએ પૂર્ણ થશે. ૨૧ દિવસ સુધી ચાલના સત્રના પ્રથમ દિવસે જ નાણાંમંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરશે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ રજૂ થનારા આ બજેટમાં કેન્દ્રની નવી મોદી સરકારના ૧૦૦ દિવસના એજન્ડા મુજબ, રોજગારી અને જીડીપી પર વધુ ધ્યાન આપવામાં આવશે. ખાસ કરીને લઘુ અને મધ્યમ ઉદ્યોગકારોની સાથે કૃષિ અને પાણીને વધુ પ્રાધાન્ય અપાશે. આ સત્ર દરમિયાન વિરોધપક્ષ પણ સરકારને ભીંસમાં લેવા માટે વિવિધ મુદ્દાઓ તૈયાર કરી રહ્યો છે. ખાસ કરીને સુરત અગ્નિકાંડ, ખાતર-પાણી, દલિતોના મુદ્દે વિધાનસભામાં ભારે હંગામો થાય એવી શક્યતાઓ છે. મળતી માહિતી પ્રમાણે આવનાર સંપૂર્ણ બજેટ બે લાખ કરોડની આસપાસ રહેશે.

આગામી ૨થી ૨૩ જુલાઈ સુધી ફરી એકવાર રૂપાણી સરકારની કસોટી થશે. ૨ જુલાઈના રોજ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે, ત્યારે આ સત્રમાં રૂપાણી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે. જેથી ૨૧ દિવસ સુધી ચાલનારા આ સત્રમાં નાણાંમંત્રી નીતિન પટેલ દ્વારા નવી યોજનાઓ, નીતિઓ અને જોગવાઈઓ સાથેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. તેની સાથે સાથે ૭ જેટલા બિલો પણ ગૃહમાં પસાર કરવામાં આવે એવી શક્યતા છે. બજેટની સાથે સાથે આ સત્રમાં રૂપાણી સરકારની પણ અગ્નિ પરીક્ષા થશે. આ દરમિયાન મુખ્ય વિરોધપક્ષ કોંગ્રેસ રૂપાણી સરકારને ખાતર-પાણી, દલિતો અને સુરત અગ્નિકાંડ મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરશે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીના કારણે ગુજરાત સરકારે ફેબ્રુઆરી માસમાં સંપૂર્ણ બજેટ રજૂ કરવાને બદલે વોટ ઓન એકાઉન્ટ રજૂ કરીને આગામી છ મહિનાના ખર્ચાની જોગવાઈ પસાર કરી હતી. સામાન્ય રીતે વિધાનસભાનું સત્ર ૬ મહિને બોલાવવામાં આવે છે, જેની જોગવાઈ અનુસાર આગામી જુલાઈ મહિનામાં વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે. જેના માટેની તૈયારી નાણાં વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

નાણાં વિભાગે શરૂ કરેલી તૈયારીના ભાગરૂપે બજેટ માટેના ૬૪થી વધુ બજેટ પ્રકાશનો તૈયાર કરવામાં આવ્યા છે અને ઓગસ્ટ ૨૦૧૯થી માર્ચ ૨૦૨૦ સુધીના ખર્ચ માટેનું ફેરફાર કરેલું બજેટ રજૂ થશે. અગાઉ લેખાનુદાન સમયે બજેટનું કદ ૧.૯૧ લાખ કરોડ નક્કી કર્યું હતું. જેમાંથી ચાર મહિનાના ખર્ચ પેટે રૂ.૬૩૯.૩૯ કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. જો કે જુલાઈમાં રજૂ થનારા બજેટમાં સુધારેલા અંદાજ મુજબ, બજેટનું કદ ૧.૯૧ લાખ કરોડથી વધીને ૨ લાખ કરોડ સુધી પહોંચી જવાની શક્યતાઓ છે.

Previous articleઉદ્યોગગૃહોને ગેસ ભાવમાં પ્રતિ ૨.૫૦ની રાહત જાહેર
Next articleઅનુભવના આંગણે સપ્તરંગી વાતો