ભાવનગરમાં પરંપરા મુજબ અષાઢ સુદ બીજનાં દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન સ્વ.ભીખુભાઇ ભટ્ટ પ્રેરીત અને જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૩૩ વર્ષથી કરવામાં આવે છે. આ વર્ષે ૩૪મી રથયાત્રા તા.૪ ને ગુરૂવારના રોજ સવારે ૮ કલાકે ભગવાન જગન્નાથજી, મોટાભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓની શાસ્ત્રી રશ્મીકાંતભાઇ દવે અને શાસ્ત્રી કિરણભાઇ વ્યાસ દ્વારા શાસ્ત્રોક્ત વિધીથી સ્થાપના કરી પૂજા-અર્ચન કરવામાં આવશે. અને સંતો, મહંતો, મહામંડલેશ્વરો અને ભાવનગરના નેક નામદાર મહારાજા વિજયરાજસિંહજી તથા યુવરાજ જયવીરસિંહજીના વરદ હસ્તે સોનાના ઝાડુથી છેડાપોરા વિધી તથા પહિન્દ વિધી કરી દબદબાપૂર્વક રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે. તેમ આ અંગેની માહિતી આપતા રથયાત્રા સમિતિ ટ્રસ્ટના અધ્યક્ષ હરૂભાઇ ગોંડલીયાએ પત્રકાર પરીષદમાં જણાવેલ અને વિશેષમાં જણાવેલ કે, પરંપરાગત રીતે જે કાષ્ટના રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવે ચે તે રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવશે..
આ વરસથી રથયાત્રા યુ-ટ્યુબ ચેનલ પર લાઇવ જોવા મળશે. જે ચેનલનું નામ ‘શ્રી જગન્નાથજી રથયાત્રા ભાવનગર છે. રથયાત્રામાં ભગવાનના પ્રસાદરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ ૩ ટન ચણાની પ્રસાદી ધર્મપ્રેમી લોકોના યોગદાનથી મળેલ છે તેની વ્યવસ્થા દાતાઓ અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.
આ વર્ષે રથયાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુભાઇ વાઘાણી, મંત્રી વિભાવરીબેન દવે, સાંસદ ભારતીબેન શિયાળ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહજી રાણા, મેયર મનભા મોરી વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
રથયાત્રામાં જુદા જુદા આકર્ષણો જોડાનાર છે. જેમાં મીની ટ્રેઇન, વાંદરો, નાસિક ઢોલ, તોપ, વિગેરે આકર્ષણો આ રથયાત્રામાં જોડાશે. આ ઉપરાંત ૧૫ ફુટના હનુમાનજી મહારાજનું રોડ પર ચાલતું મુવીંગ સ્ટેચ્યુ ભરતભાઇ પરદેશી ગઢડાવાળાનું જોડાશે. જે રથયાત્રાનું આકર્ષણ બની રહેશે. રથયાત્રાની આગળ આગળ તાત્કાલિક રંગોળીઓ બનાવવામાં આવશે. જેમ જેમ રથયાત્રા આગળ વધશે તેમ તેમ આગળના ચોકમાં રંગોળીઓ બનાવવામાં આવતી જશે. જે આ રથયાત્રાની વિશિષ્ટતા બની રહેશે. રથયાત્રામાં ૧૦૦ ઉપરાંત ટ્રક, ૫ જીપ, ૨૦ ટ્રેકટર, ૧૫ છકરડા, ૨ હાથી, ૬ ઘોડા, ૪ અખાડા, જુદી જુદી રાસ મંડળીઓ તેમજ ગણેશ ક્રિડામંડળ દ્વારા જીમ્નાસ્ટીક, સ્કેટીંગના દાવો તથા બોડી બીલ્ડીંગ એસોસીએશન દ્વારા પ્રદર્શન કરવામાં આવશે. સત્સંગ મંડળો, ડંકા, ઢોલ, ત્રાસા, નગારા, ડી.જે.સાઉન્ડ સિસ્ટમ ઉપર ભગવાનના ગુણગાન ગાતા ગાતી સાથે રથયાત્રામાં જોડાયેલ છે. તથા સામાજિક, ધાર્મિક, સંસ્થાઓ, ગાયત્રી પરિવાર, અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા, સ્વામિનારાયણ મુખ્ય મંદિર વિગેરે સંસ્થાઓના ફલોટો તથા અન્ય ફ્લોટ આકર્ષણ બની રહેશે.
જગન્નાથજી રથયાત્રાનો સમગ્ર રૂટ
રથયાત્રા તા.૦૪-૦૭-૨૦૧૯ ને ગુરૂવારના રોજ ભગવાનેશ્વર મહાદેવ અને જગન્નાથજી મંદિર સુભાષનગરથી સવારે ૮ કલાકે પ્રસ્થાન થઇ મહિલા કોલેજ, આંબાવાડી, ઘોઘાસર્કલ, રૂપાણી સર્કલ, સ્વામિનારાયણ ગુરૂકુળ, સરદારનગર, સર્કલ, પ્ર. પ્રિ. બ્ર. કુ. વિશ્વ વિદ્યાલય, લંબે હનુમાનજી, ઘોઘા જકાતનાકા, શિવાજી સર્કલ, ગાયત્રીનગર, દેવરાજનગર, ભરતનગર, સંતશ્રી સેન મહારાજ ચોક, માલધારી સોસાયટી, શિક્ષકનગર સોસાયટી, દેવુમાનું મંદિર, સિંધુનગર કેમ્પ, ખોડિયાર માતાજીનું મંદિર, સંસ્કાર મંડળ, રામજી મંદિર, રોકડીયા હનુમાન, સેન્ટ્રલ સોલ્ટ, તખ્તેશ્વર મંદિર, રાધા મંદિર, સંત કંવરરામ ચોક, વાળંદ જ્ઞાતિ રામજી મંદિર, કાળાનાળા, માળી જ્ઞાતિ રામજી મંદિર, કાળાનાળા, દાદા સાહેબ, બારસો શિવ મહાદેવની વાડી, સર.ટી.હોસ્પીટલ રોડ, જેઇલ રોડ, શ્રમ નિકેતન સોસાયટી, મરીન સોસાયટી, અનંતવાડી, નિલમબાગ ચોક, બહુમાળી ભવન, ભીડભંજન હનુમાનજીનું મંદિર, જૂની મીલની ચાલી, ફાયર બ્રિગેડ, નિર્મળનગરના નાકે, માધવ રત્ન, ક્રિસ્ટલ માર્કેટ, શિતળામાનું મંદિર, પાવર હાઉસ પાસે, શ્રી મોરલીધર હનુમાનજી મંદિર, મોરલીધરનું મંદિર ચાવડીગેઇટ પાસે, કષ્ટભંજન હનુમાનજી મંદિર, ચાવડીગેઇટ, ખોડિયાર મંદિર ચાવડીગેઇટ, હનુમાનજી મંદિર, વિજય ટોકીઝ પાસે, પટેલ જ્ઞાતિ રામજી મંદિર, રક્ષક હનુમાનજી મંદિર, ચામુંડા મંદિર, પાનવાડી, કોળી જ્ઞાતિ રામજી મંદિર, દૂધરેજનું રામજી મંદિર, પાનવાડી ચોક, જશોનાથ ચોક, જશોનાથ મંદિર, મુરલીધર મહાદેવનું મંદિર, જશોનાથ ચોક, વિઠ્ઠલનાથજી હવેલી, વોશીંગઘાટ, ગંગાદેરી, ઘોઘાગેઇટ, વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય, નાથનાથ મહાદેવ મંદિર, મહેતા શેરી, જગદીશ મંદિર ખારગેઇટ, જલારામ મંદિર ખારગેઇટ, દાઉજીની હવેલી, આર્ય સમાજ મામાકોઠા, કામનાથ મહાદેવ, મારૂતિ મંદિર બાર્ટન લાઇબ્રેરી, બહુચરાજીનું મંદિર, રામજી મંદિર, રૂવાપરી ગેટ, કૃષ્ણેશ્વર મહાદેવ, શિવરામ રાજ્યગુરૂ ચોક, સરદારસ્મૃતિ, ગાયત્રી શક્તિપીઠ ડોન, શ્રી બહુચરાજી મંદિર ડાયમંડ ચોક, મહિલા કોલેજ, સુભાષનગર, શ્રી ભગવાનેશ્વર મહાદેવ મંદિર અને શ્રી જગન્નાથજી મંદિરના પટાંગણમાં ધર્મસભામાં રૂપમાં ફેરવાશે.