શેરબજારમાં આજે ભારે ઉથલપાથલ રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૩૦ પોઇન્ટ ઉછળીને ૩૯૮૧૬ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફ્ટી ૪૫ પોઇન્ટ ઉછળીને ૧૧૯૧૦ની ઉંચી સપાટી પર રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં એસએન્ડપી બીએસઇ મિડકેપ ઇન્ડેક્સમાં ૫૬ પોઇન્ટનો સુધારો રહેતા તેની સપાટી ૧૪૯૪૫ની સપાટી પર રહ્યો હતો. જ્યારે બીએસઇ સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ૦.૫૨ પોઇન્ટનો સુધારો થતા તેની સપાટી ૧૪૨૮૩ રહી હતી. સેક્ટરની વાત કરવામાં આવે તો ઇન્ડેક્સમાં ભારે દબાણની સ્થિતી રહી હતી. ફાર્મા અને બેંક કાઉન્ટરો પર મંદી રહી હતી. નિફ્ટી આઇટી ઇન્ડેક્સમાં એકઇન્ડેક્સમાં ૦.૫૨ ટકાનો ઉછાળો રહ્યો હતો. ઓએનજીસી, એચડીએફસી અને ભારતી એરટેલના શેરમાં સૌથી વધારે સુધારો રહ્યો હતો. છેલ્લા કલાકમાં એચડીએફસી, ઇન્ફોસીસ, રિલાયન્સ અને ઓએનજીસી જેવા શેરમાં જોરદાર લેવાલી રહી હતી.શેરબજારમાં ગઇકાલે સોમવારના દિવસે તેજીનું મોજુ ફરી વળ્યું હતું. બીએસઈ સેંસેક્સ ૨૯૨ પોઇન્ટ ઉછળીને ૩૯૬૮૬ની ઉંચી સપાટીએ રહ્યો હતો.બ્રોડર નિફ્ટી ૭૭ પોઇન્ટ ઉછળીને નવી ઉંચી સપાટીએ રહ્યો હતો. તેની સપાટી ૧૧૮૬૬ રહી હતી. વૈશ્વિક બજારોમાં ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોરને લઇને સ્થિતિ હળવી બનતા તેની અસર જોવા મળી હતી. અમેરિકા અને ચીન વેપાર મંત્રણા પુનઃ શરૂ કરવા માટે રાજી થયા છે. તેલ કિંમતોમાં આજે બેરલદીઠ એક ડોલરનો વધારો થયો હતો. વિયેનામાં આગામી સપ્તાહમાં ૨૦૧૯ના અંત પહેલા અંતિમ બેઠક યોજનાર છે તે પહેલા તેલ કિંમતોમાં વધારો નોંધાયો છે. હાલમાં જાપાનના શહેર ઓસાકામાં જી-૨૦ બેઠકના ભાગરુપે અમેરિકા અને ચીનના પ્રમુખ મળ્યા હતા. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીની પ્રમુખ જિંગપિંગ વચ્ચે લાંબી બેઠક યોજાઈ હતી જેમાં બંને દેશો ટ્રેડ વોરનો અંત લાવવા સહમત થયા હતા. સાથે સાથે વેપાર વાતચીતને આગળ વધારવા માટે પણ રાજી થયા હતા.
અત્રે નોંધનીય છે કે વિદેશી મૂડીરોકાણકારોએ જૂન મહિનામાં ભારતીય મૂડી માર્કેટમાં ૧૦૩૮૪ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. સતત પાંચમાં મહિનામાં વિદેશી મૂડીરોકાણકારો ખરીદદાર તરીકે રહ્યા છે. આર્થિક સુધારાઓની પ્રક્રિયા જારી રહેશે તેવી અપેક્ષા વચ્ચે વિદેશી મૂડીરોકાણકારોએ જૂન મહિનામાં જંગી નાણાં ઠાલવી દીધા છે. આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, વિદેશી મૂડીરોકાણકારોએ ઇક્વિટીમાં ૨૨૭૨.૭૪ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાં ૮૧૧૧.૮૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આની સાથે જ કુલ મૂડીરોકાણનો આંકડો ૧૦૩૮૪.૫૪ કરોડ સુધી પહોંચી ગયો છે. વર્ષ ૨૦૧૯માં હજુ સુધી એફપીઆઈ દ્વારા ૮૭૩૧૨.૨૨ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.