રાજકોટમાં મહિલાઓની એક દુપટા ગેંગ સક્રિય થઇ છે. આ ગેંગની ૬ જેટલી મહિલાઓ એક સાથે દુકાનમાં પ્રવેશ કર્યા બાદમાં વેપારીની નજર ચૂકવી દુપટાની આડશમાં એક મહિલાએ કાઉન્ટરમાં રહેલા ૨૦ હજાર રૂપિયાની ચોરી કરી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ ક્રિષ્ના પાણીપુરી અને આઈસ્ક્રીમ પાર્લરમાં બપોરના સમયે પાણી પીવાના બહાને ૬ જેટલી મહિલાઓએ એકસાથે દુકાનમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં વેપારીની નજર ચૂકવી બે મહિલાઓએ પોતાના દુપટાને આડો રાખ્યો હતો. અન્ય એક મહિલા ધીરેથી નીચેની બાજુ વળી હતી, અને કેશ કાઉન્ટરમાંથી રૂપિયાની ચોરી કરી હતી. જ્યાં સુધી દુકાનદાર મહિલાઓને બહાર કાઢે ત્યાં સુધીમાં મહિલાએ કાઉન્ટરમાં હાથ નાંખી ૨૦,૩૦૦ રૂપિયાની ચોરી કરી હતી. ત્યાર બાદ તમામ મહિલાઓ પાર્લરની બહાર નીકળી ગઈ હતી.
સમગ્ર ઘટનાની જાણ પાર્લરમાં કામ કરતા માણસે દુકાનના માલિક શ્રવણ ગુજ્જરને જાણ કરી હતી.
માલિકે મોબાઈલ દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં દુપટા ગેંગની ૬ મહિલાએ કરેલ ચોરીની ઘટના સ્પષ્ટ થઇ હતી. સીસીટીવી ફૂટેજના આધારે દુકાન માલિકે એ-ડિવિઝન પોલીસ મથકમાં અરજી આપી છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.