સાબરમતી નદીમાંથી રેતીના ગેરકાયદે ખોદકામના બનાવો ગાંધીનગર વિસ્તારમાં વધુ બનતા હોવાની ફરિયાદોના પગલે આરટીઓ, પાટનગર યોજના વિભાગ તથા પોલીસ અધિકારીઓને સાથે રાખીને આકસ્મિક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા ભુસ્તર તંત્રને તાકીદ કરાઇ છે. ત્યારે ચોમાસા દરમિયાન નદીમાં પુલના પીલર પાસે થતું ખોદકામ જોખમી બનવાની શકયતા હોવાથી આ દિશામાં યોગ્ય પગલા ભરવા પણ તાકીદ કરવામાં આવી છે.
ગાંધીનગરને સ્પર્શતી નીકળતી સાબરમતી નદીમાંથી રેતી-ખનીજનું ગેરકાયદે ખોદકામ થવા બાબતે વોચ રાખવા તથા નદીમાં ઓવરબ્રિજની બાજુમાં આવેલા સ્ટ્રકચરની આસપાસ ખોદકામ થાય તો રોકવા સ્થળ મુલાકાત લેવા અને આકસ્મિક તપાસ કરવાની સૂચના કાયદો અને વ્યવસ્થાની બેઠક વખતે અપાઇ છે. જે વાહનો ગેરકાયદે ખનીજ ખોદકામ કરતા જણાય અથવા તો રેતીનું ગેરકાયદે વહન કરતા જણાય તેઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ અપાયો છે.
ચોમાસામાં નદીમાં પુલના પીલર પાસે થતું ખોદકામ જોખમી બનવા શકયતા છે. ગત વર્ષે પણ કલેકટર તેમજ પોલીસ વડા દ્વારા કડક પગલાં ભરવા આદેશ થયા હતા. ભૂસ્તર તત્ર દ્વારા તકેદારી રખાય છે. બેઠકમાં આ મામલે ચર્ચા કરીને નદીમાં ખોદકામ પર વોચ રાખવા આરટીઓ, પાટનગર યોજના વિભાગ અને પોલીસ અધિકારીઓને સાથે રાખી કાર્યવાહી કરવા તાકીદ કરાઇ હતી.