સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ચોમાસાના આરંભ સાથે મૂંગા પશુધન ઉપર આકાશી વીજળી મોત બનીને ત્રાટકી રહી છે. અત્યાર સુધીમાં વીજળી પડતાં કુલ-૨૬ પશુઓનાં મોત નિપજતાં પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે. આ વર્ષે વરસાદ વધુ પશુઓનો ભોગ લે તેવી સંભાવનાનો ઈનકાર થઈ શકે નહીં.
જિલ્લામાં દર વર્ષે ચોમાસુ શરૂ થાય એટલે તરત મૂંગા પશુઓ વીજળી પડવાથી કે વિજ કરંટ લાગવાથી કાળનો કોળીયો બની જતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદ સાથે આકાશમાંથી વીજળી મૂંગા પશુધન ઉપર મોત બનીને ત્રાટકી રહી છે. સરકાર દ્વારા પશુપાલકોને મૂંગા પશુધનના મોત બદલ નિયત કરેલી સહાય તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે છે પરંતુ જે રીતે વીજળી પડવાના બનાવો હમણાંથી વધ્યા છે તે ચિંતાજનક છે.
સામાન્ય વરસાદમાંય આકાશમાં આંખો આંજી નાખે તેવા તેજ લીસોટા સાથે વીજળી પડતાં પશુઓના મોતના બનાવ વધ્યા છે. જિલ્લામાં ચોમાસાનો માંડ આરંભ થયો છે ત્યાં અત્યાર સુધીમાં કુલ-૨૬ પશુ વીજળી પડવાથી કાળનો કોળીયો બની ગયા છે. જિલ્લામાં આ વર્ષે વરસાદ સાથે આકાશમાંથી આફતરૂપી વીજળી પડવાના બનાવો વધતાં આગામી સમયમાં વરસાદ વધુ પશુભક્ષી બને તેવા અણસાર છે.