ગુજરાત રાજયનું બજેટ ૨ લાખ કરોડને પાર

634

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ગુજરાતનું બજેટ આજે રજૂ કરવામાં આવ્યું હતું જેમાં તમામ ક્ષેત્રોને આવરી લેવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. નાણામંત્રી નીતિન પટેલે આજે વિધાનસભા ગૃહમાં ગુજરાત રાજયનું નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે પૂર્ણ કદનું બહુ મહ્‌ત્વનું અને નોંધનીય બજેટ રજૂ કર્યું હતું. નીતિન પટેલે આ ૭મી વખત બજેટ રજૂ કર્યું હતું. જેમાં ફરી એકવાર શિક્ષણ, કૃષિ, આરોગ્ય, રોજગારી અને પીવાના પાણીના મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. ગુજરાતની સ્થાપના બાદ સૌપ્રથમવાર બજેટનું કદ રૂ. ૨ લાખ કરોડને પાર થયું હતું. નાણાંમંત્રીએ રૂ. ૨,૦૪,૮૧૫ કરોડનુ બજેટ રજૂ કરવાની સાથે ગૃહમાં કેટલીક મહત્વની અને લોભામણી જાહેરાતો પણ કરી હતી. તો, ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક રૂ.૬૦૦૦ની સહાય મુદ્દે પીએમ મોદીનો આભાર માન્યો હતો. તો, આગામી ૨૦૨૨ના વર્ષ સુધીમાં રાજયના તમામ લોકોને ઘેર-ઘેર પાણી મળશે તેવી મહત્વની જાહેરાત પણ કરાઇ હતી. તો, સોગંદનામા અને નોટરીના લખાણના લેખો માટે સ્ટેમ્પ ડ્‌યુટીમાં અઢી ગણો વધારો કરી રૂ. ૨૦ના ૫૦ કરાયા હતા, તે અંગે પણ ધ્યાન દોરાયુ હતુ, જે મોટુ ભારણ કહી શકાય. કારણ કે, તેના કારણે કોર્ટ કાગળો અને દસ્તાવેજો મોંઘા બનશે. નાણાં મંત્રી દ્વારા બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ.૧૦,૮૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આયુષ્માન ભારત જન આરોગ્ય યોજનાના ૪.૯૦ લાખ નાગરિકોને રૂ.૮૧૮ કરોડ ચૂકવવામાં આવ્યા છે. આ યોજના માટે આ વર્ષે રૂ.૪૫૦ કરોડની જોગવાઈ કરી છે. જ્યારે શહેરી વિસ્તારના આરોગ્ય તંત્રને સુદ્રઢ કરવા રૂ.૧૧૦ કરોડ, માં અને માં વાત્સલ્ય યોજના માટે સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલો માટે રૂ.૧૦૦૦ કરોડ, સરકારી હોસ્પિટલોમાં વિના મૂલ્યે દવાઓ માટે રૂ.૫૦૦ કરોડ, સિઝનલ રોગ નિયંત્રણ માટે રૂ.૩૧૩ કરોડ, બાલ સખા રાજ્ય વ્યાપી યોજના માટે રૂ.૮૫ કરોડ, પી.એચ.સી, સી.એચ.સીના બાંધકામ માટે રૂ.૧૨૯ કરોડની ફાળવણી કરાઇ છે. રાજયમાં તબીબી શિક્ષણ માટે એમબીબીએસની ૪૮૦૦, ડેન્ટલની ૧૨૪૦, પીજી ડિપ્લોમા સુપર સ્પેશિયાલિટી માટે ૧૯૪૪ બેઠકો ઉપલબ્ધ છે, ત્યારે એમબીબીએસની નવી ૭૫૦ બેઠકો માટે રૂ.૮૦ કરોડની જોગવાઇની જાહેરાત કરાઇ હતી. રાજકોટ એઇમ્સ માટે ૨૦૦ એકર જમીન ફાળવણી કરાઇ છે તો, આંતર માળખાકીય સવલતો માટે રૂ.૧૦ કરોડ, નવી ૭૫૦ એમબીબીએસ  બેઠકો માટે ૮૦ કરોડ, સુરત, ભાવનગર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે રૂ.૧૬૦ કરોડ, હોસ્પિટલોમાં ઓ.પી.ડી બિલ્ડીંગ અને નર્સિંગ બિલ્ડીંગ માટે રૂ.૧૧૬ કરોડ, ૧૦૮ની નવી ૧૦૦ એમ્બ્યુલન્સ માટે રૂ.૧૮ કરોડ, ૩૧૦ સરકારી આયુર્વેદ દવાખાનાને હેલ્થ વેલનેસ સેન્ટરમા રૂપાંતરિત કરવા રૂ.૪૮ કરોડ અને જામનગર મેટરનિટી ચાઇલ્ડ બ્લોક માટે ૨૫ કરોડની ફાળવણી કરી કરાઇ છે. રાજ્ય સરકારે શિક્ષણના સર્વગ્રાહી વિકાસ માટે રૂ.૩૦,૦૪૫ કરોડની ફાળવણી કરાઇ છે તેમજ નવા ૫ હજાર વર્ગખંડો માટે રૂ.૪૫૪ કરોડ દૂધ સંજીવની અને અન્ન ત્રિવેણી યોજના માટે રૂ.૧૦૧૫ કરોડ, બાળકોની ફી, યુનિફોર્મ, બૂટ, સ્કૂલ બેગ માટે રૂ.૩૪૧ કરોડ, વર્ચ્યુઅલ ક્લાસ રૂમ માટે રૂ.૧૦૩ કરોડ, ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે રૂ.૩૭૦ કરોડ, સરકારી કોલેજ, યુનિવર્સિટી ભવન માટે રૂ.૨૦૬ કરોડ અને કોલેજના વિદ્યાર્થીઓને ટેબલેટ આપવા માટે રૂ.૨૫૨ કરોડની ફાળવણી કરવામાં આવી છે.  લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં તમામ ૨૬ સીટો જીતી લીધા બાદ પ્રથમવાર બજેટ આજે રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં નાણામંત્રી સામે તમામ વર્ગને ખુશ કરવાના પડકારો પણ હતા. તમામ પડકારોને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા છે. નીતિન પટેલે રેકોર્ડ સાતમી વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યું હતું.  જેમાં ૨૦૨૨ સુધી તમામ ઘરોમાં પીવાનું પાણી પણ પહોંચાડવાનું આયોજન છે.

સી-પ્લેન શરૂ કરવા રૂ. પાંચ કરોડના ખર્ચે વોટર એરોડ્રામ

હાલ રાજ્યમાં ૧૨ એરપોર્ટ અને પાંચ એરસ્ટ્રીપ કાર્યરત છે. સરદાર સરોવર, શેત્રુંજય ડેમ, સાબરમતી રિવરફ્રન્ટ પર વિમાન ઉતરાણ શરૂ કરવા માટે રૂ.૫ કરોડના ખર્ચે વોટર એરોડ્રામ બનાવવાની પણ બજેટમાં જાહેરાત કરાઇ હતી. તો, જ્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના એરિયલ વ્યૂ માટે રૂ.૧ કરોડની જોગવાઈ કરાઇ છે. રાજ્યમાં સી-પ્લેનની સુવિધા શરૂ કરવા રૂ.૫ કરોડના ખર્ચે વોટર એરોડ્રામ બનાવવામાં આવશે. આ સિવાય મત્સ્યોદ્યોગના વિકાસ માટે માંગરોળ, નવાબંદર, વેરાવળ, માઢવાડ, પોરબંદર, સૂત્રાપાડા મત્સ્ય બંદર વિકાસ માટે રૂ.૨૧૦ કરોડ, ફીશિંગ બોટ ડીઝલ વપરાશ માટે વેટ સહાય આપવા રૂ.૧૫૦ કરોડ અને કેરોસીન સહાય માટે રૂ. ૧૮ કરોડની જોગવાઈ કરી છે.

આગામી ૩ વર્ષમા નવા ૬૦ હજાર કર્મચારીઓની ભરતી કરાશે

નાણાંમંત્રી દ્વારા આગામી ૩ વર્ષમા નવા ૬૦ હજાર કર્મચારીઓની ભરતી કરવાની મહત્વની જાહેરાત પણ કરાઇ હતી. તો, નવા ૭૦ હજાર સખી મંડળો બનાવી રૂ. ૭૦૦ કરોડનું ધિરાણ આપવાની જોગવાઇ પણ કરાઇ છે. મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના સહિત વિવિધ રોજગાર યોજનાઓનો ૧૫ લાખ યુવાનોને લાભ અપાશે. જ્યારે આગામી ૩ વર્ષમા મુદ્રા યોજના હેઠળ ૫૦ લાખ લાભાર્થીઓને લાભ આપવામાં આવશે તેવી વાત પણ નીતિન પટેલે કરી હતી.

સિંચાઇના વ્યાપ, સૌની યોજના સહિતના કામો માટે પણ કરોડો ફાળવાયા

રાજયમાં ટપક સિંચાઇ અંતર્ગત સિંચાઇ વ્યવસ્થાને સુદ્રઢ કરવા રૂ.૭૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના માટે રૂ.૩૦૭ કરોડની જોગવાઇ કરાઇ છે. સૌની યોજના માટે રૂ.૧૮૮૦ કરોડની જોગવાઇ કરાઇ છે. જેમાં સૌની યોજનાના ત્રીજા તબક્કાના રૂ.૨૨૫૮ કરોડના ચાર પેકેજોના કામો શરૂ કરી દેવાયા છે. તો, બનાસકાંઠા જિલ્લા માટે થરાદથી સીપુ ડેમ સુધીની પાઇપલાઇન માટે રૂ.૧૦૦ કરોડની જોગવાઇ કરાઇ છે. આ સિવાય પીયજથી ધરોઇ, ધાધુંસણથી રેડલક્ષ્મીપુરા અને ખેરવા વિસનગગર યોજનાના કામો માટે રૂ.૧૮૫ કરોડની જોગવાઇ કરાઇ છે. આગામી વર્ષમાં નર્મદાના પાણીની ઉપલબ્ધિ મુજબ, રાજયના ૩૫ જળાશયો અને ૧૦૦થી વધુ ચેકડેમો ભરવામાં આવશે.

નવી સોલાર રૂફટોપ યોજના સહિતના કામો માટે રૂ.એક હજાર કરોડ

નવી સોલાર રૂફટોપ યોજના સહિતના કામો માટે રૂ.એક હજાર કરોડની જોગવાઇ પણ આ બજેટમાં કરાઇ છે. જેમાં ૩ કિલોવોટનો પ્લાન્ટ બેસાડનાર પરિવારને ૪૦ ટકા સબસિડી, ૩ થી ૧૦ ટકા માટે ૨૦ ટકા સબસિડી માટે રૂ.૧૦૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સરકારની આ જાહેરાતનો લાભ આશરે રાજયના બે લાખ પરિવારોને મળશે. આ સિવાય ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને શુધ્ધ કરી તે પાણી ઉંડા દરિયામા નિકાલ માટે પીપીપી ધોરણે પાઇપ લાઇન માટે રૂ.૨,૨૭૫ કરોડ ખર્ચાશે. જેના માટે આ વર્ષે ૫૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ચાલુ વર્ષે સવા લાખ ખેતી વીજ જોડાણો માટે રૂ.૧૯૩૧ કરોડની જોગવાઇ

નાણાંમંત્રી દ્વારા મહત્વની જાહેરાત કરાઇ હતી કે, ચાલુ વર્ષે આશરે ૧.૨૫ લાખ ખેડૂતોને વીજ જોડાણ મળશે, જે માટે સરકાર દ્વારા આ બજેટમાં રૂ.૧૯૩૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેટલા ખેડૂતોએ ખેતીવાડી વીજ જોડાણ માટે અરજી કરી છે, તેમાંથી ૧,૨૫,૦૦૦ ખેડૂતોને અષાઢી બીજ(૪ જુલાઈ)ના દિવસે વીજ જોડાણ આપી દેવાશે. ખેતીનો ખર્ચ ઘટાડવાના હેતુથી સરકાર રાજયના ખેડૂતોને રાહત દરે વીજપુરવઠો પાડે છે, જેની સબસીડી માટે રૂ.૬૮૨૦ કરોડની મોટી જોગવાઇ કરાઇ હોવાનું પણ નીતિન પટેલે જણાવ્યું હતું.

જળ સંપત્તિના વિવિધ કામો માટે રૂ.૭૧૫૭ કરોડની જોગવાઈ

રાજ્ય સરકાર દ્વારા બંધ જાળવણી, નહેર માળખા સુધારણા, સહભાગી સિંચાઇ યોજના જેવા જળ સંપત્તિના વિવિધ કામ માટે રૂ. ૭૧૫૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જ્યારે સૌની યોજનાના ત્રીજા તબક્કાના રૂ.૨,૨૫૮ કરોડના કામ હાલ પ્રગતિમાં છે. જેના માટે રૂ.૧૮૮૦ કરોડની જોગવાઇ કરી છે તેમજ થરાદથી સીપુ ડેમ પાઇપ લાઇન માટે રૂ.૧૦૦ કરોડ ફાળવાયા છે. જેનો રાજયના ૬૦૦૦ ગામોને લાભ મળશે. આદિજાતિ વિસ્તારોમાં સિંચાઇ માટે રૂ.૯૬૨ કરોડ, તાપી-કરજણ લીક પાઇપલાઇન માટે રૂ.૭૨૦ કરોડ, અંબિકા નદી પર રીચાર્જ પ્રોજેકટ માટે રૂ.૩૭૨ કરોડની જોગવાઈ કરી છે. તેમજ સુરત જિલ્લાના ૨૩ હજાર ખેડૂતો માટે રૂ.૨૪૫ કરોડ, કરજણ જળાશય માટે રૂ.૨૨૦ કરોડ, કડાણા જળાશય માટે રૂ.૩૮૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે રૂ.૪૦૦૦ની સહાય

સરકારની વહાલી દીકરી યોજના અંતર્ગત રૂ.૨ લાખની આવક ધરાવતા પરિવારોને સહાય આપવા દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે રૂ.૪૦૦૦ની સહાય આપવામાં આવશે તેવી જાહેરાત પણ બજેટમાં કરાઇ હતી. આ સિવાય દિકરી  જ્યારે ૯મા ધોરણમાં આવે ત્યારે રૂ.૬૦૦૦ની સહાય અપાશે. તેમજ ૧૮ વર્ષ પૂર્ણ કરે ત્યારે તેણીને રૂ.૧ લાખની સહાય અપાશે. આ યોજના માટે સરકાર દ્વારા કુલ રૂ. ૧૩૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આંગણવાડીમાં પુરક પોષણ માટે ૭૫૧ કરોડ તથા વિધવા પેન્શન માટે ૩૭૬ કરોડ અને પૂર્ણા યોજના માટે ૮૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

Previous articleવિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ પ્રવેશ ન મળતા કોંગ્રેસનો ચક્કાજામ, ૩૦ કાર્યકરોની અટકાયત
Next articleસિંગારપરની હાઇકોર્ટે નીરવ મોદીની ૪૪ કરોડની સંપત્તિ જપ્ત કરી