સાણંદમાં તાતા નેનો પ્લાન્ટ આવ્યા બાદ ઘણી બધી કંપનીઓએ પોતાના પ્લાન્ટ અહીં નાખ્યા હતા. અને સાણંદની આસપાસના ગામોમાં રોજગારીને વેગ મળ્યો હતો. જોકે હવે એવા અહેવાલ આવ્યા છે કે આમાંની ઘણી કંપનીઓ ગુજરાતને બદલે મધ્યપ્રદેશમાં પોતાના પ્લાન્ટ ખસેડે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે જમીનની ફાળવણી અને પ્લોટનો ઉપયોગ નહીં કરવા બદલ પેનલ્ટી જેવી સમસ્યાઓના કારણે ૧૫૦ જેટલી કંપનીઓ તેમના પ્લાન્ટ સાણંદથી મઘ્યપ્રદેશ ખસેડવા વિચારી રહી છે. ૧૫૦ જેટલી કંપનીઓએ તેમના પ્લોટ ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીઆઈડીસી)ને સોંપી દીધા છે અને એમાંના ૪૦% એ પ્રોજેકટ મહારાષ્ટ્ર અને મઘ્યપ્રદેશ ખસેડી પણ લીધા છે. સાણંદ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના એક અગ્રણીએ જણાવ્યું હતું કે જમીન ફાળવણીના પડતર મુદે કાર્યકારી મુડી બ્લોક થઈ જતાં બિઝનેસ શરૂ કરી નહીં શકનાર કંપનીઓ તેમના ઔદ્યોગીક પ્રોજેકટ મઘ્યપ્રદેશ લઈ જવા વિચારી રહી છે. આવી કંપનીઓ મોટાભાગે સુક્ષ્મ, નાના અને મઘ્યમ સાહસો છે. તેમણે મઘ્યપ્રદેશ સરકારના અધિકારીઓ સાથે પ્રાથમીક વાતચીત કરી છે. મઘ્યપ્રદેશ સરકારે ઈન્ડોરથી ૨૦ કીમી દૂર જગ્યા આપવા તૈયારી બતાવી છે. ચાલુ સપ્તાહે તેમની દરખાસ્તો અને વધુ પ્રોત્સાહનો બાબતે ચર્ચા થશે. સાણંદની ઔદ્યોગીક વસાહતમાં ફોર્ડ ઈન્ડીયા અને કેટલાય ઓટો પાર્ટ ઉત્પાદકોના પ્લાન્ટ છે. જીઆઈડીસીએ ફાળવવામાં આવેલા પ્લોટનો ઉપયોગ નહીં કરવા બદલ ૨૦૦ એકમોને જમીનની કિંમતની બે ટકા પેનલ્ટી લગાવી છે. પેનલ્ટી નહીં ચૂકવનારા જમીન માલિકોના નામે લીગલ ડોકયુમેન્ટ ટ્રાન્સફર કરવામાં નહીં આવે. એ કારણે પ્લોટ માલિક બાંધકામ માટે લોન મેળવી નહીં શકે. એક અગ્રણીએ જણાવ્યું હતું કે અમારી વર્કીંગ કેપીટલ છ વર્ષ માટે બ્લોક થઈ ગઈ છે. અને ૨૦૧૫ સુધી જીઆઈડીસી તેની વસાહતમાં રસ્તા, પાણી અને વીજળી જેવી માળખાકીય સુવિધાઓ આપી શકી નહોતી એટલે બિઝનેસ અથવા બાંધકામ શરૂ કરવાનું શકય નહોતું.