સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં બે દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન બુધવારે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અને શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે ૧૦થી ૧૨ વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં અને વરાછામાં સૌથી વધુ બે ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે વરાછા,કતારગામ, પાલનપુર પાટીયા વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ગયા હતા.
વહેલી સવારથી ૧૨ વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં ૫૬ મિમિ, વરાછામાં ૫૫ મિમિ, રાંદેરમાં ૪૧ મિમિ, કતારગામમાં ૨૯ મિમિ, અઠવામાં ૧૪ મિમિ અને લિંબાયતમાં ૧૦ મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉધના ઝોનને કોરું રાખ્યું છે. જ્યારે સુરત જિલ્લામાં ચોર્યાસીમાં ૧૫ મિમિ અને કામરેજમાં ૬ મિમિ વરસાદ નોંધાયો છે. અને બારડોલી, મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ, પલસાણા, ઉમરપાડામાં વરસાદ પડ્યો નથી.
વરાછા વિસ્તારમાં બે ઈંચથી વધુ વરસાદના પગલે પાણી ભરાઈ ગયા છે. બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકતા ગાયત્રી, બરોડા પ્રિસ્ટેજ, કતારગામ ગરનાળા, પાલનપુર પાટીયા સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હોવાનું જાણવા મળ્યું છે.
સતત બીજા દિવસે શહેરમાં વરસાદે વિરામ લીધો હતો. બે દિવસ શહેરમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરાઇ છે.
દરમિયાન આજે સવારથી વરાછા, અડાજણ, કતારગામ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એક મહિનામાં જ સાડા ૯ ઇંચ વરસાદ ખાબકી ગયો છે. વિયર કમ કોઝવેની સપાટી ઘટીને ૫.૫૪ મીટર નોંધાઇ છે. જ્યારે ઉકાઈ ડેમની સપાટી ૨૭૫.૭૪ નોંધાઈ છે.