ત્રિમંદીર પાસે ટ્રકની અડફેટે મોપેડ સવાર યુવાનનું મોત

417

ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં માર્ગો ઉપર અકસ્માતના બનાવો વધી રહયા છે ત્યારે ગઈરાત્રીએ શહેર નજીક અડાલજના ત્રિમંદીર પાસે મોપેડ ઉપર પસાર થઈ રહેલા યુવાનને અજાણ્યા ટ્રકે અડફેટે લેતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને યુવાનને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગરથી અમદાવાદ સિવિલ લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. આ અંગે અડાલજ પોલીસે ફરાર ટ્રક સામે ગુનો નોંધીને તેને પકડવા દોડધામ આદરી છે.

હાઈવે માર્ગો ઉપર દિનપ્રતિદીન અકસ્માતના બનાવો વધી રહયા છે અને તેમાં પણ ખાસ કરીને હીટ એન્ડ રનની ઘટનાઓ બની રહી છે. નાના વાહનચાલકોને મોટા વાહનો અડફેટે લઈ આંખના પલકારામાં ફરાર થઈ જતાં હોય છે ત્યારે ગઈકાલે શહેર નજીક આવેલા અડાલજના ત્રિમંદીર પાસે પણ આવી જ એક હીટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી.

અમદાવાદના સાબરમતી ડી-કેબિન ખાતે વારાહી સોસાયટીમાં રહેતા કિશનભાઈ જગદીશભાઈ પોપટાણી ગઈકાલે રાત્રે તેમનું મોપેડ નં.જીજે-૦૧-યુઆર-રપ૬૪ લઈને નંદાસણથી પોતાના ઘરે આવી રહયા હતા તે દરમ્યાન એક અજાણ્યા ટ્રક ચાલકે તેમના મોપેડને અડફેટે લીધું હતું. જેથી કિશનભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માત સર્જી ટ્રકનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો પરંતુ અન્ય વાહનચાલકો ઉભા રહી ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઘાયલ કિશનભાઈને સારવાર માટે ગાંધીનગર સિવીલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું.

આ ઘટના અંગે તેમના પરિવારજનોને જાણ થતાં અમદાવાદ સિવિલ પહોંચ્યા હતા જ્યાં તેમના કાકા જીતેન્દ્રભાઈ પોપટાણીની ફરિયાદના આધારે અડાલજ પોલીસે અજાણ્યા ટ્રકચાલક સામે ગુનો નોંધી તેને પકડવા દોડધામ શરૂ કરી છે.

Previous articleવસ્ત્રાપુરમાં PGની યુવતીઓ વચ્ચે મારામારીનો વિવાદ પોલીસ સ્ટેશન પહોંચ્યો
Next articleહુ આપઘાત કરવા જાઉ છુ કહીને PSI રવાના થતાં પોલીસ તંત્ર દોડતું થયું