રાજ્યના ખેડૂતોના પ્રશ્નોને લઈ કોંગ્રેસ દ્વારા ગાંધીધામથી ગાંધીનગર સુધીની ‘ખેડૂત સંવેદના ટ્રેક્ટર રેલી’નુ આયોજન કર્યુ હતું. ત્યારે રેલીમાં જોડાવા અને સ્વાગત માટે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસે તૈયારીઓ કરી હતી. જોકે રેલીને સાણંદ પાસે જ અટકાવી દેવાતા ઘ-૦ પાસે એકઠા થયેલા કોંગ્રેસ નેતાઓને સુત્રોચ્ચાર કરીને પરત ફરવુ પડ્યું હતું. બીજી તરફ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ૪૦થી વધુ ટ્રેક્ટરો સાથે શહેરમાં આવતા ૨૦૦થી વધુ નેતા-કાર્યકરોને પણ રોકી દેવાયા હતા.
ઉલ્લેખનિય વિધાનસભા સત્રની શરૂઆત સાથે ખેડૂતોના પ્રશ્નોના વાંચા આપવા માટે ગુજરાત પ્રદેશ કિશાન કોંગ્રેસે ગાંધીધામથી ગાંધીનગર રેલી યોજી હતી. ૩૦ જુને નીકળેલી રેલી ૨ જુને એટલે કે મંગળવારે ગાંધીનગર પહોંચવાની હતી જોકે, રેલીને સાણંદ પાસે અટકાવી દેવાઈ હતી. બીજી તરફ ગાંધીનગર જિલ્લામાં ચાર તાલુકામાંથી આવતા કાર્યકરોને અટકાવીને તેઓને એકઠા થવા દેવાયા ન હતા. મંગળવારે ગાંધીનગર પહોંચનારી રેલીમાં જોડાવા માટે ઘ-૦ પાસે પાંચ ટ્રેક્ટર સાથે જિલ્લા પ્રમુખ સહિતના કોંગ્રેસના નેતાઓ એકઠા થયા હતા. જોકે ટ્રેક્ટરો લઈને પોલીસે સ્ટેશન મુકી દેવાયા હતા. બીજી તરફ દહેગામ તાલુકામાંથી ૧૦ ટ્રેક્ટર સાથે નીકળેલા આગેવાનોને ચિલોડા પાસે જ્યારે ૨૦ જેટલા ટ્રેક્ટરો સાથે માણસા તાલુકાના ૫૦ લોકોને ગ્રામભારતી પાસે અટકાવી દેવાયા હતા.
કલોલ તાલુકાના જુદા-જુદા વિસ્તારમાંથઈ ૧૫ જેટલા ટ્રેક્ટરો સાથે આવતા ૫૦ જેટલા આગેવાનોને પણ આગળ જવા દેવાયા ન હતા. આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ કહ્યું હતું કે,‘સરકારની જોહુકમીના કારણે ખેડૂતોને તેમના પ્રશ્નોને વાચા આપતા અટકાવી સરકારે ખેડૂતોને લોકશાહીમા મળેલા અધિકારોનુ હનન કર્યુ છે.’