મનપાની ૧૭મીએ સામાન્ય સભા, કાંગ્રેસ નવા વેરાઓનો વિરોધ કરશે

663
gandhi10-2-2018-4.jpg

ગાંધીનગર મહાનગરપાલિકાના નવા વર્ષના ડ્રાફટ બજેટને સુધારા વધારા સાથે સ્થાયી સમિતિએ મંજુરી આપી દીધી છે અને આગામી તા.૧૭ ફેબુ્રઆરીના રોજ સામાન્ય સભામાં આ બજેટને મંજુરીઅર્થે મુકવાનું છે ત્યારે બજેટમાં મંજુર કરાયેલા નવા વેરાઓનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવશે. સરકાર પાસેથી કોર્પોરેશન મિલકત વેરા સહિતના વેરા ઉઘરાવી શકતી નથી ત્યારે ગાંધીનગરની પ્રજા ઉપર ખોટા વેરા ઝીંકવાનો શું અર્થ છે તે મુદ્દાને રજૂ કરવામાં આવશે તેમ કોર્પોરેશનના વિરોધપક્ષના નેતાએ જણાવ્યું હતું.  ગાંધીનગર મહાનગરપાલિકાના નવા વર્ષના બજેટને મ્યુનિ. કમિશનર ડી.એન.મોદી દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં બજેટનું કદ ર૮૨.૦૩ કરોડ રહેવા પામ્યું હતું. આ ડ્રાફટ બજેટમાં રેવન્યુ ખર્ચ ૭૭.૫૩ કરોડનો અંદાજ રાખવામાં આવ્યો હતો. જ્યારે ૨૦.૪૫ કરોડ કેપિટલ ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. ત્યારે સ્થાયી સમિતિ ચેરમેન મનુભાઈ પટેલની અધ્યક્ષતામાં બજેટલક્ષી બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં કમીશનર દ્વારા રજૂ કરાયેલા ડ્રાફટ બજેટનો અભ્યાસ કરીને રેવન્યુ ખર્ચમાં સાડા પાંચ કરોડનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સફાઈ કરમાં ૧૦૦ મીટરથી ઉપરના બાંધકામમાં પ્રતિ ચોમીએ બે રૃપિયા સફાઈ વેરો વસુલવાનું સૂચન કરાયું હતું. જેમાં સ્થાયી સમિતિએ ૧૫૦ ચોમીની મર્યાદા નક્કી કરી હતી અને તેમાં પણ બે રૃપિયાની જગ્યાએ દોઢ રૃપિયાની વસુલાત કરવાનું નક્કી કર્યું હતું. તો શહેરમાં ઘરે ઘરેથી ઉપાડવામાં આવતાં ગાર્બેઝ કલેકશન અંતર્ગત ડ્રાફટ બજેટમાં રહેણાંક મિલકત દીઠ ૪૫૦ રૃપિયા અને કોમર્શિયલમાં ૬૫૦ વસુલવાનું સુચન કરવામાં આવ્યું હતું. જેમાં પણ સ્થાયી સમિતિએ ઘટાડો કર્યો હતો હવે ગાર્બેઝ કલેકશન અંતર્ગત રહેણાંક મિલકતોએ વાર્ષિક ૩૬૦ અને કોમર્શિયલ એકમોએ ૫૦૦ રૃપિયા ચુકવવાના રહેશે.  તો ગાંધીનગરમાં હવે નવું વાહન ખરીદનાર નાગરિકોએ વેરો ભરવો પડશે કેમકે તેને સ્થાયી સમિતિએ ગ્રાહ્ય રાખ્યો હતો જેથી આગામી તા.૧૭મીના રોજ કોર્પોેરેશનની સામાન્ય સભા બોલાવવામાં આવી છે જેમાં નવા વર્ષનું બજેટ મંજુર કરવામાં આવશે. જો કે વિરોધપક્ષના નેતાએ આ બજેટ સંદર્ભે જણાવ્યું હતું કે સ્થાયી સમિતિએ નવા વેરાઓ ગ્રાહ્ય રાખીને ગાંધીનગરના નાગરિકો ઉપર ખોટુ ભારણ નાંખ્યું છે. કોર્પોરેશન પાસે સફાઈ સિવાય અન્ય કોઈ મહત્વની જવાબદારી નહી હોવા છતાં મિલકતવેરાની આવકમાંથી સંચાલન થઈ શકે તેમ છે. કોર્પોરેશન સરકાર પાસેથી બાકી નીકળતાં ર૦ કરોડના વેરાને વસુલી શકતું નથી અને હવે પ્રજા ઉપર ખોટા વેરાઓ નાંખવામાં આવી રહયા છે. સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષ નવા વેરાઓનો જોરદાર વિરોધ કરશે અને તેને નાબુદ કરવાની માંગણી પણ કરશે.

Previous articleસાળંગપુર પાસે ગોજારો અકસ્માત ૫ના કરૂણ મોત, ૨ને ગંભીર ઈજાઓ
Next article દહેગામ રેલવે સ્ટેશન વિસ્તારમાં ગંદકીના ઠગ, સફાઇ કાર્ય ઠપ્પ