મહારાષ્ટ્રમાં આકાશમાં છવાયેલા વાદળો અને સતત પડી રહેલા વરસાદના લીધે સ્થિતિ બગડી રહી છે. મંગળવરના રોજ પૂણે સિવાય મુંબઇના મલાડ અને કલ્યાણમાં દિવાલ ધસી પડતાં ડઝનથી વધુ લોકોના મોત થયા હતા. હવે સતત થઇ રહેલા વરસાદના લીધે રત્નાગિરીમાં તિવરે ડેમ તૂટી ગયો છે. તેના લીધે ડેમની પાસેની નજીકના ૭ ગામમાં પૂર આવી ગયું છે અને અચાનક થયેલા અકસ્માતમાં ગામના આ દુર્ઘટનામાં ૬ લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે હજુ પણ ૨૨-૨૪ જેટલાં લોકો ગુમ છે. શહેરના ઘણાં વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. વેસ્ટર્ન એક્સપ્રેસ-વે પર સવારથી જ ૪-૫ કિલોમીટર લાંબી લાઈન લાગી હતી. આ કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
રાહત એજન્સીઓના કહેવા મુજબ, ડેમના પાણીમાં વહી ગયેલા લોકોને નીચાણવાળા વિસ્તારમાંથી મળવાની શક્યતા છે. પરંતુ તેમને થયેલા નુકસાન વિશે હજુ કંઈ કહી ન શકાય તેમ નથી. જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને કેટલીક સ્વયંસેવી સંસ્થાઓએ રાહત અને બચાવનું કામ શરૂ કરી દીધું છે.સતત વરસાદના કારણે ડેમનું પાણીનુંસ્તર વધી ગયું હતું. નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં રવિવારથી જોરદાર વરસાદ થઈ રહ્યો છે. રિપોર્ટ મુજબ, ડેમમાંથી પાણી વહેવાના કારણે ડેમની નજીક બનેલા ૧૨ ઘર સંપૂર્ણ રીતે વહી ગયા છે. આ ઘરોમાં જ રહેતા લોકો ગુમ થયા હોવાની આશંકા છે.
નોંધનીય છે કે, મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારો રવિવારથી ભારે વરસાદની ઝપેટમાં છે. મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોમાં પડી રહેલા ધોધમાર વરસાદથી અત્યાર સુધી ૩૮ લોકોનાં મોત થયા છે અને ૭૫ લોકો ઘાયલ થયા છે. તેમાં મુંબઈ, થાણે અને પુણેમાં દીવાલ પડવાથી મરનારાઓની સંખ્યા પણ સામેલ છે. રાજ્ય સરકારે તકેદારીના ભાગરૂપે મંગળવારે મુંબઈમાં રજા જાહેર કરી હતી.
આપને જણાવી દઇએ કે મંગળવાર સવારે ભારે વરસાદ બાદ મલાડના કુરાર વિસ્તારમાં દિવાલ પડતાં અકસ્માતમાં મૃતકોની સંખ્યા ૧૮થી ઉપર પહોંચી ગઇ છે. જ્યારે ૬૦થી વધુ લોકો ઘાયલ થયા છે. તો કલ્યાણમાં પણ વરસાદના લીધે દિવાલ ધસી પડતા ૩ લોકોના મોત થયા હતા.
ખાનગી હવામાન એજન્સીએ કહ્યું છે કે ૩થી ૫ જુલાઈની વચ્ચે મુંબઈમાં પુર જેવી હાલત સર્જાઈ શકે છે. આ દરમિયાન ૨૦૦ મિમી કે પછી તેનાથી વધુ વરસાદ થઈ શકે છે. બુધવારે ઉચ્ચ જવાર એલર્ટ આપવામાં આવી છે.