જગન્નાથજી આજે નિકળશે આજે નગરયાત્રાએ

584

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ભગવાન જગન્નાથની રથયાત્રા આવતીકાલે અમદાવાદ શહેરમાં ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવ વચ્ચ પરંપરાગત રૂટ પર નિકળનાર છે. ૧૪૨ રથયાત્રાને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આ વખતે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભારતીય અખાડા પરિષદના મોટા સંતો-મહંતો અને કુંભમેળાના સાધુ-સંતો હાજરી બહુ નોંધનીય બની રહેશે. તો આ વર્ષે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ માટે બનારસ, વૃંદાવન, અયોધ્યા સહિતના પવિત્ર સ્થળોએથી સુંદર અંલકારિક વસ્ત્રો, પાઘડી અને તેને અનુરૂપ વાઘા-વસ્ત્રો અને સાજ શણગાર તૈયાર કરાયા છે. આ વખતે ભગવાન રજવાડી વેશમાં નગરજનોને દર્શન આપશે, જેને લઇને ભકતોમાં અત્યારથી જ ભારે ઉત્સાહ અને ઇન્તેજારી જોવા મળી રહ્યા છે. આવતીકાલે રથયાત્રાના દિવસે સવારે ચાર વાગ્યે મંગળાઆરતીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ખાસ હાજર રહેશે, જયારે સાત વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે પહિંદવિધિ બાદ તેઓ રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે. રથયાત્રાનો આ એક જ દિવસ એવો હોય છે જેમાં ખુદ જગતનો નાથ નગરચર્યાએ નીકળી તેના ભકતોને ઘેરબેઠા દર્શન આપે છે. રથયાત્રાને લઇ શહેરભરમાં ભારે હર્ષોલ્લાસ અને ભકિતનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતીય લોક સંસ્કૃતિનું રથયાત્રા સર્વોચ્ચ પ્રતીક છે. રથયાત્રાના અગ્રભાગમાં ૧૯ શણગારેલા ગજરાજો, ત્યારપછી ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે ૩૦ અખાડા, ૧૮ ભજનમંડળીઓ સાથે ત્રણ બેન્ડબાજાવાળા આકર્ષણનું કેન્દ્ર બનશે. સાધુ-સંતો, શ્રધ્ધાળુ ભકતો સાથે ૧૨૦૦થી ૧૫૦૦ જેટલા ખલાસી ભાઇઓ રથ ખેંચતા રહેશે.

આ રથયાત્રામાં ભાગ લેવા દેશભરમાંથી ૨૦૦૦થી વધુ સાધુ-સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્ર સહિતના સ્થાનોએથી પધારશે. રથયાત્રાના દિવસે તા.૪થી જૂલાઇએ વહેલી સવારે ૪-૦૦ વાગ્યે ભગવાનની મંગળાઆરતી કરાશે, ત્યારબાદ આદિવાસી નૃત્ય અને રાસગરબાનો પરંપરાગત કાર્યક્રમ યોજાશે. એ પછી ભગવાનના આંખે બાંધેલા પાટા ખોલવાની શાસ્ત્રોક્ત વિધિ બાદ ૫-૪૫ કલાકે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને ત્રણેય રથોમાં સવાર કરાશે. સવારે ૭-૦૦ વાગ્યે પહિંદવિધિ બાદ રથયાત્રાનો શુભારંભ થશે. રથયાત્રાના દિવસે વહેલી સવારે ભગવાનને વિશિષ્ટ ભોગ ધરાવાય છે, જેમાં પરંપરા મુજબ, ખીચડી, કોળા-ગવારફળીનું શાક અને દહીં હોય છે. રથયાત્રા દરમ્યાન ૩૦ હજાર કિલોથી વધુ મગ, ૫૦૦ કિલો જાંબુ, ૩૦૦ કિલો કેરી, ૪૦૦ કિલો કાકડી અને દાડમ તથા બે લાખ ઉર્પણા પ્રસાદમાં વિતરણ કરાશે. આ વખતની રથયાત્રામાં ભારતીય અખાડા પરિષદના સાધુ સંતો અને મહંતો ખાસ હાજરી આપશે. જેમાં ભારતીય અખાડા પરિષદના દિગ્ગજ સંતો અને કુંભમેળાના દિવ્ય સાધુ-સંતો અને મહંતો પણ હાજરી આપશે.

Previous articleઅમિત શાહ દ્વારા ઇન્કમટેક્ષ ઓવરબ્રિજનું લોકાર્પણ થયુ
Next articleવસ્તી વધારો માણસ ના અટકાવે તો શું પ્રાણીઓ અટકાવશે ?