દહેગામ શહેરને સ્વચ્છતાની બાબતમાં એવોર્ડ આપવામાં આવી રહ્યા છે. સફાઇની બાબતમાં શ્રેષ્ઠ શહેર બતાવાઇ રહ્યુ છે. પડદાની પાછળ સફાઇનો જુદો જ ચહેરો જોવા મળી રહ્યો છે. દહેગામ રેલવે સ્ટેશન વિસ્તારમા છેલ્લા બે દિવસથી પાલિકા દ્વારા ગંદકી નહિ ઉઠાવવામા આવતા ઉકરડા જોવા મળી રહ્યા છે. ફ્રુટ અને ચંપલની લારી ઉભી રાખતા નાના વેપારીઓ પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. સફાઇ અભિયાનના દહેગામ શહેરમાં ધજિયા ઉડી રહ્યા છે.
દહેગામ શહેરમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પાલિકાનુ વાહન કચરો ઉપાડવા આવતુ નથી. પરિણામે સામાન્ય લોકોને ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોરશોરથી સફાઇ અભિયાનના નગારા વગાડવામાં આવી રહ્યા છે. સફાઇ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર નિમવામાં આવ્યા છે. તેમ છતા દહેગામમાંથી ગંદકી દુર થઇ શકતી નથી. માત્ર સોસાયટી વિસ્તારમા સફાઇ કરવામાં આવી રહી છે. બાકી સામાન્ય લોકો વસવાટ કરી રહ્યા હોય તેમને ભગવાન ભરોશે છોડવામાં આવી રહ્યા છે. આ બાબતે વિસ્તારમાં રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એક સ્થાનિકે કહ્યુ કે પાલિકા માત્ર સફાઇ બાબતમાં તમાશા કરી રહી છે. સોસાયટી વિસ્તારમાં વાહનો રોજ કચરો ઉપાડવા જાય છે. જ્યારે સામાન્ય લોકોને તો ભગવાન ભરોશે જ છોડવામા આવી રહ્યા છે. જો ગંદકીને દુર કરવામા નહિ આવે તો રોગચાળો ફાટી નિકળશે તેવી દહેશત સેવવામાં આવી રહી છે.