સ્વ.ભીખુભાઇ ભટ્ટ પ્રેરીત ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા આજે ભાવનગર શહેરમાં જગન્નાથજીની ૩૪મી રથયાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાતે નિકળશે. જેમાં શણગારેલા હાથી, વિવિધ ફ્લોટ સાથેનાં ટ્રકો સહિત આકર્ષણનું કેન્દ્ર રહેશે. રથયાત્રામાં ૩ ટન ચણાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે.
આવતીકાલે અષાઢી બીજ નિમિત્તે ભાવનગર શહેરમાં પરંપરાગત ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળશે. સવારે ભગવાનેશ્વર મહાદેવ મંદિર સુભાષનગર ખાતે કેન્દ્રીય મંત્રી માંડવીયા સહિત રાજકિય આગેવાનો, મેયર મનભા મોરીની ઉપસ્થિતિમાં મહારાજા વિજયરાજસિંહજી, યુવરાજ જયવિરરાજસિંહના હસ્તે છેડા-પોટા સહિતની વિધી અને સંતો મહંતોનાં આશિર્વચન સાથે રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે.
ભગવાનેશ્વર મહાદેવ મંદિર સુભાષનગર ખાતેથી નિકળી મહિલા કોલેજ, આંબાવાડી, ઘોઘાસર્કલ, સરદારનગર, શિવાજી સર્કલ, ભરતનગર, માલધારી, સીંધુનગર, સંસ્કાર મંડળ, પરિમલ, કાળાનાળા, નિલમબાગ, નિર્મળનગર, ચાવડીગેઇટ, પાનવાડી, જશોનાથ, ઘોઘાગેઇટ, એમ.જી.રોડ, મામાકોઠા રોડ, દિવાનપરા રોડ, હલુરીયા ચોક, ક્રેસન્ટ, ડોન થઇ ૧૭ કિ.મી.નાં રૂટ ઉપર ફરીને રાત્રે સુભાષનગર પરત ફરશે, જ્યાં ધર્મસભા યોજાશે. રથયાત્રાનાં સમગ્ર રૂટ ઉપર વિવિધ સંસ્થાઓ, મંડળો દ્વારા, વિવિધ જાતની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે જ્યારે રથયાત્રાનાં અંતિમ ટ્રકમાં ૩ ટન ચણાની પ્રસાદીનું ભાવિકોને વિતરણ કરવામાં આવશે તેમજ વિવિધ વિસ્તારોમાં વિવિધ મંડળો, સંસ્થાઓ, રાજકિય આગેવાનો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાશે. ભગવાન જગન્નાથજીનાં રથ પર જઇને ભાવિકો આસ્થાભેર દર્શન કરી શકશે. વર્ષમાં એક વખત ભગવાન જગન્નાથજી મોટાભાઇ બલરામજી એન બહેન સુભદ્રાજી સાથે લોકોને સામેથી દર્શન આપવા નગરયાત્રાએ નિકળતા હોય, લોકોમાં ભગવાનનાં દર્શન કરવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. આજ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ પોલીસ દ્વારા યાત્રાનાં સમગ્ર રૂટ ઉપર ફાઇનલ રીહર્સલ કર્યું હતું. તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ કરવા સાથે ચેકીંગ કરાયુ ંહતું. રેન્જ આઇ.જી.અશોકકુમાર અને એસપી જયદિપસિંહના માર્ગદર્શન હેઠળ ૧૬ ડીવાયએસપી, ૩૪ પી.આઇ., ૧૩૦ પીએસઆઇ, ૨૦૦ મહિલા પોલીસ, ૫૦ ટ્રાફીક પોલીસ, ૬૦ ટ્રાફીક બ્રિગેડ, ૨૪ ગેસમેન, ૨૮ ઘોડેસ્વાર પોલીસ સહિત ૧૬૫૦ પોલીસ જવાનો ઉપરાંત એસઆરપીની ૫ કંપની, આરએએફની ૧, બીએસએફની ૧ કંપની તથા ૧૪૭૦ હોમગાર્ડ જવાનો બંદોબસ્તમાં જોડાશે.
રથયાત્રા ઉપર નેત્ર પ્રોજેક્ટનાં ૧૫૫ સહિત ૫૧૦ સીસીટીવી કેમેરાથી બાજ નજર રખાશે. રથયાત્રાનાં બંદોબસ્ત માટે ૧૨ વોચ ટાવર ઉભા કરવામાં આવ્યા છે. ૪ ફાયર ફાયટર અને ૪ એમ્બ્યુલન્સ તૈનાત રહેશે. આમ, આવતીકાલે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા હોય ભગવાન જગન્નાથજીની ૩૪મી રથયાત્રા નીકળશે.