ઈંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગને કહ્યું કે, વિશ્વ કપની સેમિફાઇનલમાં પહોંચવું ઘણો સારો અનુભવ છે અને યજમાન ટીમ એજબેસ્ટનમાં રમાનારી અંતિમ-૪ની મેચને લઈને ઉત્સાહિત છે. મોર્ગનની ટીમે બુધવારે ચેસ્ટર લી સ્ટ્રીટમાં ન્યૂઝીલેન્ડ પર ૧૧૯ રનથી શાનદાર જીતથી ૧૯૯૨ બાદ પ્રથમવાર વિશ્વ કપ સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. આ જીતનો મતલબ છે કે ૧૦ ટીમોના રાઉન્ડ રોબિન મુકાબલા બાદ ઈંગ્લેન્ડનું ત્રીજુ સ્થાન પાક્કુ થઈ ગયું છે, જેથી તે ૧૧ જુલાઈએ રમાનારી બીજી સેમિફાઇનલમાં એજબેસ્ટેનમાં રમશે, જ્યાં તેનો છેલ્લી ૧૦ મેચોનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ઈંગ્લેન્ડે બર્મિંઘમમાં રવિવારે પોતાની અંતિમ ચારની સંભવિત વિરોધી ટીમ ભારતને ૩૧ રનથી પરાજય આપ્યો અને એજબેસ્ટનમાં તેનો રેકોર્ડ શાનદાર રહ્યો, જેમાં તેણે તમામ ફોર્મેટમાં છેલ્લી ૧૦ મેચ જીતી છે. મોર્ગને મેચ બાદ કહ્યું, અમે એજબેસ્ટનમાં રમવાનું પસંદ કરીશું. જો અમારી પાસે વિકલ્પ હોત કે અમે અમારી લીગ સ્ટેજની મેચ કઈ મેદાનો પર રમે તો અમે એજબેસ્ટન, ધ ઓવલ અને ટ્રેન્ટ બ્રિજ ત્રણ સ્ટેડિયમોમાં અમારી ૯ મેચ રમવાનું પસંદ કરત.