યાત્રાધામ પાવાગઢ ડુંગર પર ભારે વરસાદ, શ્રદ્ધાળુઓ અટવાયા

643

યાત્રાધામ પાવાગઢ ડુંગર પર ભારે વરસાદ વરસ્યો છે. ડુંગર પર ભારે વરસાદ આવતા શ્રદ્ધાળુઓ અટવાયા હતા. ભારે વરસાદને પગલે ડુંગરથી નીચે તરફ પગથિયાં પર નદીઓ વહી હતી. વરસાદના પગલે સાત કમાન પાસે નવો બનાવેલ રોડ તૂટ્યો છે. જેના કારણે વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો. સુરક્ષાને ધ્યાના રાખીને વરસાદના સમયે રોપ-વે બંધ કરવાની ફરજ પડી છે.

પંચમહાલ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી ધમાકેદાર થઇ ચૂકી છે. હાલ હાલોલ, પાવાગઢ સહિતના પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. યાત્રાધામ પાવાગઢ ડુંગર પર ઉપર પણ ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે ડુંગર પર નવ નિર્મિત રોડ તૂટ્યો હતો. સાત કમાન પાસે બનાવેલો રોડ વરસાદના કારણે તૂટી ગયો હતો. વરસાદના કારણે ડુંગર પર કેટલાક યાત્રિઓ ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભારે વરસાદના કારણે પાવાગઢના ડુંગરથી નીચે તરફ આવતા પગથિયાં પર પાણીનો જોરદાર પ્રવાહ વહી રહ્યો છે. વરસાદી પાણીના ભારે પ્રવાહથી પાવાગઢમાં ચાલતા વિકાસ કાર્યને પણ અસર પહોંચી છે. વહેલી સવારે પડેલ ભારે પવન સાથેના વરસાદને લઈ થોડા કલાકો માટે રોપ-વે બંધ કરવાની ફરજ પડી હતી. હાલ રાબેતા મુજબ રોપ વે શરૂ કરાઇ છે. તો ચાલતા જતા યાત્રાળુઓ પગથિયાંમાં પાણીના ભારે પ્રવાહને લઈ જોખમ લઇ રહ્યા છે.

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વરસાદ વચ્ચે શામળિયાની રથયાત્રા નીકળી હતી. મંદિર પરિસરમાં ભગવાને દર્શન આપ્યા હતા. ભગવાનના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આ સિવાય નેશનલ હાઈ-વે ઉપર પણ પાણી ભરાયા હતી.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ તારીખ ૦૪/૦૭/૨૦૧૭ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ૭૪ મિ.મી. એટલે કે ત્રણ ઇંચ જેટલો જ્યારે ડીસામાં ૬૦ મિ.મી, મેઘરજમાં ૬૧ મિ.મી, સુરત શહેરમાં ૫૯ મિ.મી. અને મેંદરડામા ૫૦ મિ.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

અમદાવાદના રથયાત્રાના રૂટમાં કેટલીક જગ્યાએ અમીછાંટણા થયા હતા. તો પશ્વિમ અમદાવાદના એસજી હાઇવે, વેજલપુર, સોલા સહિતના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો. સાથે સાથે મધ્ય ગુજરાતમાં પંચમહાલના હાલોલમાં ચાર કલાકમાં ૩ ઇંચ વરસાદ પડ્યો છે. જાંબુઘોડામાં સવા બે ઇંચ વરસાદ, ગોધરામાં સવા ઇંચ વરસાદ, ઘોઘબમાં પોણા બે ઇંચ વરસાદ, પંચમહાલ શહેરમાં ૧૩ મીમી વરસાદ, કાલોલમાં ૧૧મીમી વરસાદ, મોરવામાં ૧૧મીમી વરસાદ પડ્યો છે.

Previous articleમાહી કેટલફીડ પ્લાન્ટ ખાતે વૃક્ષારોપણ કરાયું
Next articleનર્મદા ડેમની પ્રમુખ કેનાલથી ૫૩૦૭ ક્યુસેક પાણી છોડાયુ