નર્મદા ડેમની પ્રમુખ કેનાલથી ૫૩૦૭ ક્યુસેક પાણી છોડાયુ

991

રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જાહેરાત કર્યાં બાદ આજે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી આજે અષાઢી બીજના પાવન દિવસે નર્મદાની મેઇન કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. હાલ નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલમાં ૫૩૦૭ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સરકારના આ નિર્ણયને પગલે રાજયના ખેડૂતઆલમમાં ખુશીની લાગણી ફેલાઇ હતી. કારણ કે, તેનાથી ખેડૂતોને સિંચાઇ અને ખેતીમાં લાભ થશે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં ૧૩ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. નર્મદા ડેમની સપાટી હાલ ૧૨૦.૦૩ મીટર ઉપર પહોંચી ગઇ છે. ડેમમાં નવા નીર આવતા આજથી નર્મદાની મુખ્ય કેનાલમાં પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે. જેને પગલે ખેડૂતોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. નર્મદા ડેમની મુખ્ય નહેર સાઇટ ખાતે કેવડિયા સબ-ડિવીઝનનાં મદદનીશ ઇજનેર વિકાસભાઇ ખોડાએ જણાવ્યું હતું કે, આજે નર્મદાની મુખ્ય નહેરમાંથી સિંચાઇ માટે છોડાયેલું પાણી સૌરાષ્ટ્રના ધ્રાગંધ્રા, હળવદ, મોરબી, વઢવાણ ઉપરાંત વિરમગામ, પાટડી, માંડલ, સમી, હારીજ, રાધનપુર, સાંતલપુર, ભાભર, વાવ-થરાદ, રાપર અને ભચાઉ સહિતના વિસ્તારોમાં પુરૂ પાડવામાં આવશે. વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઇને અને સિંચાઇ માટેની જરૂરિયાતને લક્ષમાં લઇને ગુજરાતના જરૂરીયાતવાળા વિસ્તારોમાં સિંચાઇ માટે જરૂરી પાણીનો જથ્થો પુરો પડાશે. બુધવાર સુધી માત્ર પીવાના પાણી માટે ૨૮૦૦ ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવતો હતો પરંતુ ઉપરવાસમાંથી પાણીનો જથ્થો વધુ આવતાં  તેની માત્રા વધારીને ૫૩૦૭ ક્યુસેક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે બજેટ પહેલા ખેડૂતોને ભેટ આપતા જણાવ્યું હતું કે, ખેડૂતોને અષાઢી બીજથી સિંચાઈ માટે નર્મદાનું પાણી આપવામાં આવશે. જે અંતર્ગત આજથી નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. સરકારના આ નિર્ણયને પગલે ખેડૂતઆલમમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી.

Previous articleયાત્રાધામ પાવાગઢ ડુંગર પર ભારે વરસાદ, શ્રદ્ધાળુઓ અટવાયા
Next articleભગવાન જગન્નાથજીનું રેતચિત્ર