સુરતના ગોઝારા અગ્નિકાંડમાં ર૩ જેટલા માસુમ બાળકોના મોત થાયા બાદ આપણે કોઈ બોધપાઠ નથી લઈ રહયા. ઘટના બાદ શિક્ષણમંત્રીના આદેશ બાદ પરિપત્રોની ભરમાર થઈ એક પછી એક પરિપત્રો જાહેર થયા. સ્કુલો પર અચાનક તવાઈ બોલાવવામાં આવી. ચેકીંગના નાટકો થયા પણ શું સરકાર દ્વારા ચિલ્ડ્રન સેફટી મેન્યુઅલનું પાલન શાળાઓ કરે છે આ મુદ્દે અધિકારીઓ શાળાઓમાં જઈ અને ચકાસણી કરવાની તસ્દી લે છે ખરા?
દહેગામ શહેરમાં નગરપાલિકા દ્વારા તપાસ બાદ એક બે સ્કુલોને બાદ કરતાં તમામ સ્કુલોને નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસ આપી દીધા બાદ પણ હજુ કોઈ કાર્યવાહી થઈ નથી સ્કુલો દ્વારા નથી ફાયર સેફટી મુદ્દે કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી તંત્ર કોઈ કામગીરી કરી રહયું નથી.
ગાંધીનગર જિલ્લા કલેકટર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો કે જે સ્કુલો ફાયર સેફટીના નિયમ મુજબ વ્યવસથા નહીં કરી શકે તેમના રજીસ્ટ્રેશન પણ રદ થઈ શકે છે પણ આ પરિપત્ર પણ એક કાગળ જ સાબિત થયો છે. દહેગામમાં આવેલી સ્કુલો પૈકી માત્ર એક બે સ્કુલો પાસે જ ફાયરને લગતી સવલતો છે. બાકીની તમા સ્કુલોમાં લોલમલોલ ચાલી રહયું છે. શું દેહગામમાં કોઈ હોનારત થશે તેની તંત્ર રાહ જોઈ રહયું છે.
નગરપાલિકામાં આ બાબતે પુછતાં આ મુદ્દે ચેકીંગ હાથ ધરાઈ રહયું છે. જો ચેકીંગ થઈ ગયું હોય અને નોટિસ ફટકારી દેવામાં આવી હોય તો જે સ્કુલો દ્વારા કામગીરી પૂર્ણ નથી કરવામાં આવી તો તેમની સીલ કેમ નથી મારવામાં આવતું.
તાલુકા શિક્ષણાધિકારી સાથે આ મુદ્દે સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે આ મારા વિષય બહારની વાત છે. અમારા આ બાબત નથી આવતી. જ્યારે ચીફ ઓફીસર દ્વારા બાળકોની સેફટી માટે ટીપીઓનો સંપર્ક સાધવાનો રહેશે.
અમારી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તેમ કહયું હતું. ત્યારે બાળકોની સુરક્ષાની જવાબદારી કયા અધિકારીના ક્ષેત્રમાં આવે છે તે જવાબદારી કોણ સ્વીકારશે? અધિકારીઓને જયારે પણ આ બાબતે પુછવામાં આવે તો આનાકાની કરી રહયા છે અથવા તો મીટીંગનું બહાનું બતાવી દેતાં હોય છે. તો શું આ તાયફા માત્ર પરિપત્ર પુરતાં જ હતા.
દહેગામમાં સ્કુલોમાં છેલ્લા કેટલા સમયથી સ્કુલોમાં ચેકીંગ કરવામાં આવ્યું નથી. સ્કુલ ચલાવવા માટે આપવામાં આવેલી ૧૦૦થી વધુ મુદ્દા ધરાવતી મેન્યુઅલનું કોણ પાલન કરે છે. ભાર વિનાના ભણતર અંગે કેટલી વાર ચેકીંગ થયું? બાળકોની સુરક્ષા માટે નાખવામાં આવેલા સીસીટીવી કેમેરા કેટલા કાર્યરત છે. સ્કુલવાનમાં આવતા બાળકો કેટલા સુરક્ષિત છે? શું સ્કુલો આપેલા કોઈ નિર્દેશનું પાલન કરી રહી છે કે પછી બધુ લોલમલોલ ચાલી રહયું છે. અધિકારીઓ કોઈ કાર્યવાહી નથી કરી રહયા તેની પાછળ કયા કારણો જવાબદાર છે? શું દહેગામમાં આવેલી સ્કુલો નીતિ નિયમો મુજબ વર્તન કરી રહી છે?