ટેકનોલોજી મારફતે રૂપાણી દ્વારા ઝીણવટભર્યું નિરીક્ષણ 

600

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મહાનગરની ૧૪ર મી ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાનો રૂટ, રથ-ભકતજનો-રથયાત્રાળુઓ સહિતની ગતિવિધિઓનું રિયલ ટાઇમ મોનિટરીંગ સી.એમ. ડેશબોર્ડની કમાન્ડ કંટ્રોલ વોલ મારફતે ગાંધીનગર બેઠા મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી કર્યુ હતું. આ ૧૪ર મી રથયાત્રાને વ્હેલી સવારે પહિન્દ વિધિ કરીને નગરચર્યાએ ભ્રમણ માટે પ્રસ્થાન કરાવ્યા બાદ મુખ્યમંત્રીએ બપોરે આ યાત્રા કયાં પહોચી, તેના પહોચવાનો નિર્ધારીત સમય, સ્થિતી અને સમગ્ર રૂટનું આકલન સી.એમ. ડેશબોર્ડની અદ્યતન કમાન્ડ કંટ્રોલ વોલ દ્વારા કર્યુ હતું. તેમણે ધાબા પોઇન્ટ, રથ, ભજન મંડળીઓ પર ફોકસ કરાવી ઝૂમ કરાવીને તલસ્પર્શી નિરીક્ષણ પણ કર્યુ હતું.

મુખ્યમંત્રીએ આ અંગેની વિગતો આપતાં કહ્યું કે, ભગવાન જગન્નાથ દર વર્ષે અષાઢી બીજે રથયાત્રા દ્વારા નગરજનોને દર્શન આપવા જાય છે તે આપણી પરંપરા રહી છે.

આ રથયાત્રાના સંકલન- બંદોબસ્ત – મોનિટરીંગમાં સમયાનુકૂલ ટેકનોલોજી સાથેના બદલાવ આપણે કરતા રહ્યા છીયે. તેમણે જણાવ્યું કે, અંદાજે ૧૯ કિ.મી.ના સમગ્ર રથયાત્રા રૂટ ઉપર શહેર પોલીસ, રાજ્ય સરકાર અને મહાપાલિકાએ સંકલનમાં રહીને ૪પ સ્થળો પર ૯૪ જેટલા હાઇડેન્સીટી કેમેરા ગોઠવ્યા છે. આના પરિણામે યાત્રાના રથ, ટ્રક સહિતના વાહનો, ભજન મંડળીઓ યાત્રીઓની પ્રત્યેક ગતિવિધિ પર બારીકાઇથી નજર રાખી કયા સમયે રથયાત્રા કયાં છે તે જાણી શકાય છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, રથયાત્રાની પળેપળની માહિતી અને લોકેશન મળી રહે તે માટે સી.એમ. ડેશબોર્ડ સાથે ત્રિસ્તરીય મોનિટરીંગ કરવામાં આવ્યું છે તેમાં પાલડી ખાતે અમદાવાદ મહાનગરપાલિકાનો કંટ્રોલ એન્ડ કમાન્ડ રૂમ, સરકીટ હાઉસ એનેક્ષી ખાતે રાજ્ય સરકાર – પોલીસનો કંટ્રોલરૂમ જોડાયેલા છે અને બધી જ માહિતી રિયલ ટાઇમ મોનિટરીંગથી મળે છે. વિજય રૂપાણીએ રથયાત્રા તેમજ મંદિર-રથ વગેરેની સંપૂર્ણ ટેકનોલોજીયુકત સુરક્ષા માટે ઇઝરાયેલ ટેકનોલોજીના એન્ટી ડ્રોનનો ઉપયોગ રથયાત્રામાં કરવામાં આવ્યો છે તેની વિગતો આપતાં જણાવ્યું કે આધુનિક ટેકનોલોજી સાથે શ્રેષ્ઠ વ્યવસ્થાઓ ગોઠવી પોલીસ તંત્ર ચુસ્ત બંદોબસ્ત રાખે છે અને રપ૦૦૦ જેટલા પોલીસ-સુરક્ષાકર્મીઓ યાત્રા બંદોબસ્તમાં તૈનાત રહે છે. રથ – ટ્રક વગેરે સાથે રપ૦૦ જેટલા સુરક્ષાકર્મીઓ સમગ્ર રૂટ દરમ્યાન પગપાળા ચાલતા એટલે કે મૂવિંગ બંદોબસ્તમાં રહે છે અને સલામતિ જાળવે છે.

મુખ્યમંત્રીએ આ વર્ષે રથયાત્રામાં શ્રધ્ધાળુઓ – ભકતો પણ મોટી સંખ્યામાં જોડાયા છે ત્યારે આ યાત્રા ઉમંગ – ઉલ્લાસથી સંપન્ન થાય તેવી વ્યવસ્થાઓ રાજ્ય સરકારના અધિકારીઓ-પોલીસતંત્ર અને મહાપાલિકાએ ગોઠવી છે તેને બિરદાવી હતી.

Previous articleભજનમંડળી બહેનોની જોરદાર જમાવટ
Next articleમોસાળમાં લાખો શ્રદ્ધાળુને પ્રેમથી જમાડવામાં આવ્યા