મોસાળમાં લાખો શ્રદ્ધાળુને પ્રેમથી જમાડવામાં આવ્યા

553

ભગવાન જગન્નાથજીની ૧૪૨મી રથયાત્રા બપોરે એકાદ વાગ્યે મોસાળ સરસપુરમાં આવી પહોંચી ત્યારે આતુરતાથી રાહ જોઇને બેઠેલા હજારો શ્રધ્ધાળુ ભકતોએ ભગવાનનું વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કર્યું હતું. બીજીબાજુ રથયાત્રામાં જોડાયેલા લાખો લોકોના પ્રભુપ્રસાદ માટે મોસાળ સરસપુરની જુદી જુદી નવ જેટલી પોળોમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. સરસપુરમાં નવથી વધુ પોળોમાં રથયાત્રામાં આવેલા લાખો લોકો, સાધુ-સંતો,મહંતો સહિત રથયાત્રિકોને ભારે આદર, પ્રેમ અને ભાવ સાથે ભોજન પીરસી તેમને જમાડી તૃપ્ત કરવામાં આવ્યા હતા. સરસપુરની વાસણશેરીમાં ભલાભગતની પોળમાં રણછોડજી મંદિર ખાતે હજારો સાધુ-સંતો માટે ખાસ પ્રકારે વિશાળ ભંડારાનું આયોજન કરાયું હતું.

જેમાં આગંતુક સાધુ-સંતોને પ્રેમ અને આદરપૂર્વક દાળ-ભાત, શાક, પૂરી, શીરો જમાડી તેઓને દાન-દક્ષિણા આપી તેઓનું સન્માન કરાયું હતું. ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે બપોરે એક વાગ્યે સરસપુર ખાતેના મોસાળમાં આવી પહોંચી ત્યારે એકબાજુ, ભાણિ-ભાણિયાઓના ભવ્ય અને રંગેચંગે મામેરાની વિધિ ચાલતી હતી ત્યારે બીજીબાજુ, રથયાત્રામાં આવેલા લાખો ભાવિકભકતો, નગરજનો અને સાધુ-સંતોનું સરસપુરની વાસણશેરીના ભલાભગતના રણછોડજી મંદિરના મહારાજ લક્ષ્મણદાસજી, જાગનાથ મહાદેવના ટ્રસ્ટી વિપુલભાઇ ત્રિવેદી, સરસપુર મહાજનના અગ્રણી બિપીનભાઇ બારોટ સહિતના મહાનુભાવોએ ભારે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ભગવાન જગન્નાથજીની ૧૪૨ મી રથયાત્રામાં ભાગ લેવા માટે અયોધ્યા, હરદ્વાર, ચિત્રકુટ, કાશી, (આગળના પાનાનું ચાલુ)

વૃંદાવન, દ્વારકા-સોમનાથ, નાસિક સહિતના દેશના જુદા જુદા ખૂણાઓથી હજારો સાધુ-સંતો આવ્યા હતા. વાસણશેરીના ભલાભગતના રણછોડજી મંદિર ખાતે રથયાત્રામાં ખાસ જોડાયેલા બે હજારથી વધુ સાધુ-સંતો માટે વિશાળ ભંડારાનું આયોજન કરાયું હતું. સર્વે સાધુ-સંતોને ભારે પ્રેમ અને આદરપૂર્વક જમાડી તેઓને તેમની મહંતાઇ, અખાડા અને હોદ્દાની ગરિમા મુજબ દાન-દક્ષિણા આપી સન્માન કરાયું હતું. ભલાભગતના રણછોડજી મંદિરના મહારાજ લક્ષ્મણદાસજી અને  જાગનાથ મહાદેવના ટ્રસ્ટી વિપુલભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રથયાત્રાના દિવસે રથયાત્રામાં આવનાર શ્રધ્ધાળુ ભકતો, સાધુ-સંતો, મંહતો, સ્વયંસેવકો, રથયાત્રિકો સહિત સૌકોઇ માટે વર્ષોથી પરંપરા મુજબ, સરસપુરની નવથી વધુ પોળોમાં આજે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં સૌથી મોટુ રસોડુ લવાર શેરી, વાસણ શેરીનું હતું. આ સિવાય સાળવી વાડ, પડિયાની પોળ, ગાંધીની પોળ, લીમડા પોળ, પીપળા પોળ, આંબલી વાડ(પાંચા વાડ), કડિયાવાડ, તડિયાની પોળ, સ્વામિનારાયણ મંદિર-આંબેડકર હોલ સહિતની પોળોમાં નગરજનો માટે ભોજન-જમવાની વ્યવસ્થા કરી તેઓને ભારે પ્રેમ અને આદરપૂર્વક જમાડવામાં આવ્યા હતા. મેનુમા દાળ-ભાત, બે પ્રકારના શાક, ફુલવડી, બુંદી, મોહનથાળ સહિતની સ્વાદિષ્ટ વાનગીઓએ જમાવટ કરી હતી. મોસાળમાં રથયાત્રિકોના આ પ્રભુપ્રસાદ માટે ખાસ કરીને મહિલાઓ-બહેનો અને યુવતીઓ છેલ્લા એક સપ્તાહથી ભારે જહેમત ઉઠાવતી હોય છે, તો પુરૂષવર્ગ તેમને આ સેવાકાર્યમાં જરૂરી મદદ પૂરી પાડે છે. સરસપુરવાસીઓને ભગવાનના મોસાળાપણાંનો યોગ પ્રાપ્ત થયો છે તે જ અમારા બધા માટે તો સૌથી મોટા આશીર્વાદ છે.

Previous articleટેકનોલોજી મારફતે રૂપાણી દ્વારા ઝીણવટભર્યું નિરીક્ષણ 
Next articleમગ-જાંબુના પ્રસાદ માટે શ્રધ્ધાળુઓ પડાપડી કરી