ભાવનગરમાં જગન્નાથજીની રથયાત્રા નિર્વિઘ્ને સંપન્ન

782

અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથનો ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળવાનો દિવસ. ભાવનગરમાં છેલ્લાં ૩૪ વર્ષથી પારંપરિક રીતે ભગવાન જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, જે રાજ્યમાં અમદાવાદ બાદ બીજા ક્રમની રથયાત્રા ગણવામાં આવે છે. ત્યારે આજે સવારે ૮ કલાકે શહેરના સુભાષનગર વિસ્તારમાં ભગવાનેશ્વર મહાદેવના મંદિર ખાતેથી સંતો-મહંતોની ઉપસ્થિતિમાં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહે સોનાના સાવરણાથી ‘છેડાપોરા’ અને ‘પહિંદ’ વિધિ કરાવી ભગવાનના રથનું દબદબાભેર પ્રસ્થાન કરાવ્યું હતું.

‘જય જય જગન્નાથ’ અને ‘હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી’ના જયઘોષ સાથે પ્રારંભ થયેલી આ રથયાત્રાના પ્રસ્થાન સમયે બહોળી સંખ્યામાં સંતો-મહંતો, મેયર મનહરભાઈ મોરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ જાડેજા, માજી સાંસદ રાજેન્દ્રસિંહ રાણા સહિતના રાજકીય આગેવાનો, નિવૃત્ત સૈનિકો તેમજ હજારોની સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રામાં આશરે ૧૦૦થી વધુ ટ્રક, જીપ, ટ્રેક્ટર, રિક્ષા પર વિવિધ ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓના ફ્લોટ્‌સ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ ઉપરાંત, ૨ હાથી, ૬ ઘોડા, ૪ અખાડા, વિવિધ રાસ મંડળીઓ, સત્સંગ મંડળો પણ પ્રારંભથી જ ઢોલ, ત્રાસા, નગારા તેમજ ડીજેના તાલ સાથે ભગવાનના ગુણગાન ગાતા જોડાયા હતા.

ખાસ કરીને, અમર જવાન જ્યોતિ, એરસ્ટ્રાઇક જેવા દેશભક્તિથી ભરપૂર ફ્લોટ્‌સ, વિવિધ ધાર્મિક ફ્લોટ્‌સ, આરોગ્ય અને વૃક્ષારોપણની પ્રવૃત્તિને ઉત્તેજન આપતાં ફ્લોટ્‌સ, વેશભૂષાઓ, મંડળીઓ લોકોનું ધ્યાન ખેચ્યું હતું. આ ઉપરાંત, રામ-લક્ષ્મણને ખભે બેસાડીને લઈ જતાં હનુમાનજીની વિરાટ પ્રતિમાવાળો મૂવિંગ ફ્લોટ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

રથયાત્રામાં જોડાનારા ભાવિકો અને દર્શનાર્થીઓને વિતરણ કરવા માટે ૩ ટન જેટલી ચણાની પ્રસાદી તૈયાર કરવામાં આવી હતી. આ સિવાય રથયાત્રાના રૂટ પર વિવિધ સંસ્થાઓ અને ખાનગી આયોજકો દ્વારા પણ પ્રસાદીની વ્યવસ્થા કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, આશરે ૧૮ કિલોમીટર લાંબી આ રથયાત્રાના સમગ્ર રૂટ પર ભગવાન જગન્નાથજીના રથને ખેંચવાની જવાબદારી પ્રાતિવર્ષાનુસાર ભોઈ સમાજના ૧૫૦થી વધુ ભાવિકો દ્વારા ઉઠાવી લેવામાં આવી હતી. જ્યારે સમગ્ર રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર, પોલીસતંત્ર દ્વારા રથયાત્રા કમિટી સાથે સંકલન સાધી સુંદર સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી હતી.

સાંજના સમયે ઘોઘાગેઇટ ચોક ખાતે રથયાત્રા પહોંચતા જ દર્શન કરવા હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. અંહિ વિવિધ અખાડા મંડળીઓ દ્વારા કરતબ દેખાડવામાં આવ્યા હતા. રથયાત્રા એમ.જી.રોડ, ખારગેઇટ, મામા કોઠા રોડ, દિવાનપરા રોડ થઇ હલુરીયા ચોક પહોંચતા, પોલીસ તથા વહિવટી તંત્રએ તથા રથયાત્રાનાં આયોજકો દ્વારા હાશકારો અનુભવ્યો હતો. રાત્રીનાં ક્રેસન્ટ થઇને રથયાત્રા ભગવાનેશ્વર મંદિરે પહોંચી સમાપન થયેલ જ્યાં સંતો દ્વારા ધર્મસભા યોજવામાં આવી હતી.

રથયાત્રામાં ફ્લોટ્‌સનું આકર્ષણ

ભગવાન જગન્નાથજી રથયાત્રામાં વિવિધ ફ્લોટ્‌સે આકર્ષણ જણાવ્યું હતું. સામાજિક જવાબદારી, પર્યાવરણ બચાવો, ધાર્મિક, શરીર સૌષ્ઠવ, રાષ્ટ્રભક્તિ, આતંકવાદનો સફાયો, સાંપ્રત સમસ્યા, બેટી બચાવો, વાયુ વાવાઝોડા, એર સ્ટ્રાઇક સહિતે આકર્ષણ જમાવ્યું હતું. તેમજ વિવિધ અખાડા મંડળીઓએ પણ પોતાનાં કરતબો બતાવી આકર્ષણ જમાવેલ અને રથયાત્રાનાં સમગ્ર રૂટ ઉપર વિશાળ લાઇવ રંગોળી પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી.

મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત

ભાવનગર શહેરનાં સમસ્ત મુસ્લિમ સમાજનાં આગેવાનોએ રથયાત્રાનું બાર્ટન ચોકમાં સ્વાગત કર્યુ ંહતું. જેમાં ખાસ કરીને રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરૂભાઇ ગોંડલીયાનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવનગર કસ્બા અંજુમને ઇસ્લામનાં પ્રમુખ મહેબુબભાઇ શેખ, ઇકબાલભાઇ આરબ, કાળુભાઇ બેલીમ, શબીર ખલાણી, આરીફ કાલ્વા, નાહિન કાઝી, સીરાજ નાથાણી, મુસ્તુફા ખોખર, સલીમ શેખ, યુનુસ ખોખર, રઝાક કુરેશી, તાહેરઅલી બતીવાલા સહિતના આગેવાનો કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

જગન્નાથજી રથયાત્રાનાં ફ્લોટ્‌સ વેશભૂષા સ્પર્ધાનાં વિજેતાઓ

જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ભાવનગર આયોજીત જગન્નાથજી રથયાત્રામાં ફ્લોટ્‌સ સ્પર્ધા અને વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરાયેલ જેમાં કાળુભાઇ દવેનાં સંયોજન તળે નિર્ણાયકોની ટીમ દ્વારા સ્પર્ધકોનું સીલેકશન કરાયેલ તેમાં ફ્લોટ્‌સ સ્પર્ધામાં પ્રથમ નંબરે રાજહંસ નેચર ટ્રસ્ટનાં પર્યાવરણને લગતો ફ્લોટ આવ્યો હતો. બીજા નંબરે સરદાર યુવા મંડળનાં શ્રવણનાં વેરાયાં મા-બાપની જવાબદારીએ સામાજીક – જવાબદારી, ત્રીજા નંબરે ગણેશક્રિડા મંડળનાં બોડી બિલ્ડીંગ, ચોથા નંબરે આઝાદ મિત્ર મંડળ દ્વારા વાયુ વાવાઝોડા તેમજ સોમનાથ, દ્વારકા અને સરકારી તંત્રનાં પ્રયત્નોથી ટળ્યું, પાંચમાં નંબરે કાઠીયાવાડ યુવક મંડળનાં બાલાકોટ એરસ્ટ્રાઇક મોડેલ, પ્રોત્સાહક ઇનામ ગાયત્રી પરિવારને આપવામાં આવેલ. જ્યારે વેશભૂષા સ્પર્ધામાં રોહિત પ્રવિણભાઇ ડાભી, બાલા હનુમાન, બીજા નંબરે સાક્ષી પ્રવિણભાઇ ડાભી હવામાં ઉડતી પરી, ત્રીજા નંબરે છત્રપતિ શિવાજીનો વેશધારણ કરનાર વિવેક તથા ચોથા નંબરે ખોડીયાર માતાનાં પાત્રને આપવામાં આવ્યો હતો. તમામ વિજેતાઓને આગેવાનોનાં હસ્થે રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા રોકડ ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ.

Previous articleસુભાષનગરમાં તિક્ષ્ણ હથિયારોનાં ઘા ઝીંકી યુવાનની હત્યાથી ચકચાર
Next articleગઢડામાં ૨૬મી રથયાત્રા દબદબાભેર સંપન્ન