ગઢડામાં ૨૬મી રથયાત્રા દબદબાભેર સંપન્ન

601

ગઢડા (સ્વામીના) મુકામે શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ  આયોજીત પરંપરાગત ૨૬મી રથયાત્રા દબદબાભેર સંપન્ન કરવામાં આવી હતી. આ રથયાત્રાને બપોરે ૨ કલાકે અંબાજી ચોક ખાતેથી ગોપીનાથજી દેવ મંદિરના ભાનુપ્રકાશદાસજી તથા આસી.કોઠારી શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સહિત સંતોના વરદ હસ્તે પૂજન આરતી બાદ રથને દોરડા વડે ખેંચી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસ્થાન પ્રસંગે રાજકિય સામાજિક આગેવાનો તથા નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ રથયાત્રા પરંપરાગત રૂટ ઉપર પસાર થતા ઠેર ઠેર કોમી એખલાસપૂર્ણ વાતાવરણમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રથયાત્રા દરમ્યાન વિવિધ મંડળો દ્વારા સામાજિક સંદેશાઓ આપતા ફ્લોટ્‌સ પૈકી સ્વચ્છતા ઝુંબેશ, પબજી ગેઇમ બહિષ્કાર, કુદરતી આપત્તિનો સામનો જેવા સામાજિક ફ્લોટ્‌સ રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ પૌરાણિક પાત્રો અને સંસ્કૃતિ માટે અનેક ફ્લોટ્‌સ રજૂ કરવામાં આવ્યા હતા. આ રથયાત્રાને નિહાળવા તથા દોરડા વડે રથને ખેંચવા અને દર્શન કરવા માટે હજ્જારોની સંખ્યામાં મેદનીએ આતુરતા પૂર્વક રાહ જોઇ હતી. આ રથયાત્રિકોને આવકારવા દરેક વિસ્તારોમાં શહેરીજનો તરફથી સ્વયંભૂ નાસ્તા, પાણી, ચા અને સરબતના સ્ટોલની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. આ રથયાત્રા દરમ્યાન અનેક વિધ રંગદર્શી ફ્લોટ્‌સ તથા લેઝીમ દામ, બેન્ડવાજા, ડી.જે.સાઉન્ડે ભારે આકર્ષણ જામાવ્યું હતું. આ રથયાત્રા દરમ્યાન દાદાખાચર વાણિજ્ય અને વિનયન સરકારી કોલેજના સ્ટાફ તથા વિદ્યાર્થીઓ દ્વારા રથયાત્રાની સાથે સાથે એકત્ર થતો કચરો ઉપાડી સ્વચ્છતા માટેનું પ્રશંસનીય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ રથયાત્રા દરમ્યાન એકથી ત્રણ નંબરનું સ્થાન ધરાવતા ફ્લોટ્‌સને રથયાત્રાના અંતે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ ફ્લોટ્‌સને પુરસ્કૃત કરવા માટે સુરક્ષા સેતુ અંતર્ગત એક થી ત્રણ ક્રમાંક મેળવનારને રોકડ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ ગઢડા મુસ્લિમ સમાજ દ્વારા પણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. સમગ્ર રથયાત્રાને સફળ બનાવવા માટે પ્રમુખ ચંદ્રકાંત લાઠીગરા તથા સમગ્ર ટીમ અને સ્વયંસેવકો દ્વારા સંકલન હાથ ધરવામાં આવ્યું હતું. આ રથયાત્રા દરમ્યાન જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા  દ્વારા સમગ્ર યાત્રાનું ચાલીને નિદર્શન કરવામાં આવ્યું હતું. સમગ્ર રથયાત્રા દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા ચુસ્ત બંદોબસ્ત યોજવામાં આવ્યો હતો.

Previous articleભાવનગરમાં જગન્નાથજીની રથયાત્રા નિર્વિઘ્ને સંપન્ન
Next articleઘોઘા ગામે બીજ ઉત્સવની ઉજવણી